CA ઇન્ટરમિડિયેટની એક્ઝામમાં ઘાટકોપરની ગુજરાતી ગર્લ બની નૅશનલ ટૉપર

31 October, 2024 11:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એચ.આર. કૉલેજમાંથી બી.કૉમ. કરતી પારમી પારેખે રોજ આઠેક કલાક સ્ટડી કરીને આ સફળતા હાંસલ કરી

મમ્મી-૫પ્પા સોનલ અને ઉમેશ પારેખ તથા નાના ભાઈ વ્યોમ સાથે ઉજવણી કરતી પારમી.

ઘાટકોપર-ઈસ્ટની પારમી પારેખ ગઈ કાલે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ (CA) ઇન્ટરમિડિયેટની સપ્ટેમ્બર ૨૦૨૪ની એક્ઝામમાં ૬૦૦માંથી ૪૮૪ માર્ક્સ સાથે ૮૦.૬૭ ટકા લાવીને દેશભરમાં ટૉપ આવી છે. CA ઇન્ટરમિડિયેટ એ ચાર્ટર્ડ અકાઉન્ટન્સીના કોર્સનું સેકન્ડ લેવલ છે. CA ફાઉન્ડેશન એ ફર્સ્ટ લેવલ હોય છે.

પારમીની સફળતાનું શ્રેય તેના હાર્ડ વર્કને જાય છે એમ જણાવતાં શૅરબજાર સાથે સંકળાયેલા તેના ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ પપ્પા ઉમેશ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સૌથી મહત્ત્વનું એ છે કે પારમી હંમેશાં સ્ટ્રેસ-ફ્રી ભણી છે. નાનપણથી તે પૂરા પ્લાન સાથે અભ્યાસ કરતી આવી છે જેને કારણે બારમા ધોરણમાં પણ નરસી મોનજી કૉલેજમાં ટૉપ ટેનમાં રહી હતી. અત્યારે તે એચ. આર. કૉલેજમાં બી.કૉમ. કરી રહી છે. તેને નાનપણથી જ આર્ટવર્ક અને પેઇન્ટિંગ કરવાનો શોખ છે. તે પ્રેશર નહોતી લેતી. જોકે તેના અમુક કલાક વાંચવાના ફિક્સ હતા. એ સમયે તે તેના બધા જ અન્ય શોખોને તિલાંજલિ આપી દેતી હતી. તેની મહેનત જોઈને અમે શ્યૉર હતા કે પારમી ફર્સ્ટ અટેમ્પ્ટમાં જ ઇન્ટરમિડિયેટમાં પાસ થઈ જશે. જોકે પારમીએ દેશભરમાં ટૉપર બનીને અમને સુખદ ઝટકો આપ્યો છે. અમારા પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયું છે.’

મેં ક્યારેય મને રૅન્ક મળશે એવું નહોતું ધાર્યું તો ફર્સ્ટ રૅન્ક તો દૂરની વાત છે એમ જણાવતાં પારમી‌ પારેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેં બારમા ધોરણ સાથે જ CA ફાઉન્ડેશન કર્યું હતું. એની સફળતા પછી હું આગળ વધતી ગઈ હતી. હું શાંતિથી ભણી શકાય એ માટે ઘાટકોપરની એક લાઇબ્રેરીમાં વાંચવા જતી હતી. ત્યાં હું સાતથી આઠ કલાક સ્ટડી કરતી હતી. મને જ્યાં કોઈ પ્રૉબ્લેમ લાગે ત્યાં હું મારા કલાસિસના ટીચરોનો કૉન્ટૅક્ટ કરીને તેમનું માર્ગદર્શન લેતી રહેતી હતી. મારા પરિવારના સપોર્ટ અને ટીચરોના માર્ગદર્શનને કારણે હું દેશભરમાં ટૉપર આવી છું. સવારે મને ફોન પર આ સમાચાર મળ્યા ત્યારે મારો હરખ સમાયો નહોતો.’

CA ઇન્ટરમિડિયેટ ગ્રુપ-૧
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ: ૬૯,૨૨૭
પાસ થનારા વિદ્યાર્થીઓ: ૧૦,૫૦૫
પાસિંગ પર્સન્ટેજ: ૧૫.૧૭ 

CA ઇન્ટરમિડિયેટ ગ્રુપ-૨
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ: ૫૦,૭૬૦
પાસ ચનારા વિદ્યાર્થીઓ : ૮૧૧૭
પાસિંગ પર્સન્ટેજ : ૧૫,૯૯

CA ઇન્ટરમિડિયેટનાં બન્ને ગ્રુપ
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ : ૨૩,૪૮૨
પાસ થનારા વિદ્યાર્થીઓ:  ૧૩૩૦
પાસિંગ પર્સન્ટેજ : ૫.૬૬

ghatkopar Education mumbai news mubai news