પૉલિટિક્સ કોરોના-પ્રૂફ છે?

26 August, 2021 08:42 AM IST  |  Mumbai | Viral Shah

કોરોનાના નામે દોઢ વર્ષથી તહેવારો નથી ઊજવવા દેવાતા, મંદિરો નથી ખોલવા દેવાતાં, લોકલ ટ્રેનમાં ટ્રાવેલ નથી કરવા દેવાતું અને નોકરી-ધંધા પર આડકતરો બૅન જ સમજી લો; પણ પ્રતિબંધ લગાવનારા આ જ રાજકારણીઓના તાયફાઓ અને તમાશાઓ બિન્દાસ થાય છે : કોઈ જવાબ નથી માગવાનું?

નારાયણ રાણેની અરેસ્ટની વિરુદ્ધ મુંબઈમાં રાજકીય કાર્યકરોનું ટોળું (તસવીર : અનુરાગ આહિરે)

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને લીધે અસંખ્ય લોકો આર્થિક મુસીબતમાં મુકાઈ ગયા હોવાથી નોકરિયાતોએ કામ-ધંધે જવા માટે અને વેપારીઓએ કામ-ધંધો શરૂ કરવાની પરવાનગી આપવા માટે રાજ્ય સરકાર સમક્ષ રીતસર કરગરવું પડ્યું હોવા છતાં દરેક વખતે મુખ્ય પ્રધાન કોરોનાના ખતરાની વાત કરીને પરમિશન નહોતા આપતા. એક રીતે જોવા જઈએ તો તેમનું આ કારણ વાજબી છે, પણ જો આ નિયમ બધા માટે લાગુ પડતો હોય તો?

નોકરિયાત અને વેપારી વર્ગ આ કટોકટીના સમયે આર્થિક રીતે ટકી રહેવા માટે આજીજી કરી રહ્યો હતો ત્યારે સરકાર તરફથી કોરોનાનું સંકટ વધી જવાનું કારણ આગળ ધરવામાં આવે છે, પણ આ જ સરકાર તેમના પૉલિટિકલ કાર્યક્રમો કે રાડા કરવા માટે લોકોને ભેગા કરે તો પણ તેમની સામે કોઈ ઍક્શન ન લેવાતી હોવાથી મુંબઈગરાઓ નારાજ થઈ ગયા છે. હજી સોમવારે જ મુખ્ય પ્રધાને દહીહંડીના કાર્યક્રમની ઉજવણી કરવાની પરવાનગી ન આપીને કહ્યું હતું કે હાલપૂરતા તહેવારો ઊજવવાનું બાજુએ રાખીએ અને જાહેર જનતાના આરોગ્યને પ્રાયોરિટી આપીએ. દહીહંડી ઉત્સવ સમન્વય સમિતિ સાથેની આ બેઠકમાં તો ટાસ્ક ફોર્સના એક મેમ્બરે ત્યાં સુધી કહી દીધું હતું કે તમને પરવાનગી આપીશું તો અમારે ગણેશોત્સવ અને નવરાત્રિમાં પણ પરમિશન આપવી પડશે.

હવે લોકોને પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જીવનનિર્વાહ કરવા માટે જરૂરી કામ કરવાની પરવાનગી આપવા સરકાર કોરોનાના ખતરાની વાત કરે છે, પણ જ્યારે કોઈ પણ પૉલિટિકલ કાર્યક્રમ માટે આ જ કોરોનાનો નિયમ કેમ લાગુ નથી પડતો. આમાં દરેક પાર્ટી સામેલ હોય છે. મંગળવારે નારાયણ રાણેને લઈને થયેલા તમાશા દરમ્યાન મોટી સંખ્યામાં શિવસૈનિકો કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરીને રસ્તા પર વિરોધ કરવા ઊતરી પડ્યા હતા. આ લોકોને કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને ઠપકો આપવાને બદલે મુખ્ય પ્રધાને જુહુમાં નારાયણ રાણેના બંગલાની સામે વિરોધ-પ્રદર્શન કરવા ગયેલા યુવા સેનાના નેતાઓની પીઠ થાબડી હતી, જ્યારે પોતાનું પેટિયું રળવા આ જ કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરનારા વેપારી કે નોકરિયાતને આ જ સરકાર તરફથી ૫૦,૦૦૦થી લઈને ૫૦૦ રૂપિયા દંડ કરવામાં આવતો હોવાથી મુંબઈગરાઓ પ્રચંડ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. બીજેપીની જન આશીર્વાદ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોવાથી એ પણ કોરોના માટે સુપરસ્પ્રેડર બની શકે એમ હોવાથી આ બાબતની ચેતવણી મહારાષ્ટ્રની સરકારના પ્રધાનોએ જ આપી હોવા છતાં મંગળવારે રાજ્યમાં ઠેર-ઠેર શિવસેનાના કાર્યકરો વિરોધ-પ્રદર્શન કરવા ઊતરી પડતાં લોકો આ બાબતે સરકારને પ્રશ્ન પૂછી રહ્યા છે.

coronavirus covid19 mumbai mumbai news viral shah