પુણેમાં કુરિયર ડિલિવરી કરવાના બહાને ઘરમાં ઘૂસીને બાવીસ વર્ષની યુવતી પર બળાત્કાર

04 July, 2025 12:05 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

એટલું જ નહીં, યુવતીના મોબાઇલથી જ બન્નેનો સેલ્ફી લઈને એને મેસેજ મૂક્યો કે હું પાછો આવીશ

પ્રતીકાત્મક તસવીર

કુરિયર ડિલિવરી કરવાના બહાને ઘરમાં ઘૂસીને બાવીસ વર્ષની યુવતી પર અજાણ્યા યુવાને બળાત્કાર કર્યો હોવાની ચોંકાવનારી ઘટના પુણેમાં બની છે. આ યુવતીના ફોનમાં જ તેની પીઠ અને પોતાનો ચહેરો આવે એ રીતે સેલ્ફી પાડીને આરોપીએ મેસેજ મૂક્યો હતો કે જો તે આ વિશે કોઈને જણાવશે તો આ ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેશે. ઉપરાંત ‘હું પાછો આવીશ’ એવો ધમકીભર્યો મેસેજ પણ આરોપીએ મૂક્યો હોવાનું પુણેના ડેપ્યુટી પોલીસ-કમિશનર (ઝોન-પાંચ) રાજકુમાર શિંદેએ જણાવ્યું હતું.

પુણેના કોંઢવા વિસ્તારમાં આવેલી એક હાઉસિંગ સોસાયટીમાં બુધવારે સાંજે ૭.૩૦ વાગ્યે એક અજાણ્યો યુવાન બૅન્કના કોઈ ડૉક્યુમેન્ટ કુરિયર કરવા માટે આવ્યો હતો. કુરિયર રિસીવ કર્યાની સહી કરવા માટે યુવતી પેન લેવા અંદર ગઈ ત્યારે આરોપીએ ઘરમાં આવીને દરવાજો બંધ કરી દીધો હતો. તેણે યુવતી પર કોઈ સ્પ્રે છાંટીને તેને બેભાન કરી દીધી હતી અને બળાત્કાર કર્યો હતો. યુવતી ૮.૩૦ વાગ્યે ભાનમાં આવી ત્યારે આરોપી નાસી ગયો હતો અને યુવતીના જ મોબાઇલમાં સેલ્ફી લઈને મેસેજ મૂક્યો હતો કે આ વિશે કોઈને જણાવશે તો તે ફોટોને સોશ્યલ મીડિયા પર વાઇરલ કરી દેશે તેમ જ તે ફરીથી આવશે એવો મેસેજ પણ તેણે મૂક્યો હતો.

પ્રાઇવેટ ફર્મમાં કામ કરતી આ યુવતી તેના ભાઈ સાથે રહે છે. બનાવ બન્યો ત્યારે યુવતીનો ભાઈ કોઈ કારણસર બહારગામ ગયો હતો. ભાનમાં આવ્યા પછી યુવતીએ પરિવારજનોને આ બનાવની જાણ કરી હતી. ત્યાર બાદ યુવતીના પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ લીધેલા ફોટોમાં યુવતીની પીઠ દેખાય છે અને આરોપીનો થોડોક ચહેરો દેખાય છે જેના આધારે પોલીસે આરોપીનો સ્કેચ તૈયાર કર્યો છે. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને અન્ય પુરાવાઓના આધારે પોલીસે આરોપીની શોધ શરૂ કરી છે.

pune pune news Rape Case crime news mumbai cirme news news mumbai news mumbai maharashtra maharashtra news