પીએમ મોદી પર વિવાદિત ટિપ્પણી મામલે રાહુલ ગાંધીને હાઇકોર્ટ તરફથી ઝટકો

08 September, 2026 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Rahul Gandhi Defamation Case: રાફેલ સોદાને લઈને ૨૦૧૮માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં બોમ્બે હાઇકોર્ટ તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આંચકો; મેજિસ્ટ્રેટ અદાલત દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાનો ઇનકાર

ફાઇલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) વિરુદ્ધ ૨૦૧૮ માં કરવામાં આવેલી કથિત વાંધાજનક ટિપ્પણી સાથે જોડાયેલા માનહાનિના કેસમાં કોંગ્રેસ (Congress) નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)ને બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court) તરફથી મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે ૨૦૧૯ માં મેજિસ્ટ્રેટ અદાલત દ્વારા રાહુલ ગાંધી વિરુદ્ધ જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. ન્યાયમૂર્તિ એન. આર. બોરકરની સિંગલ બેંચે રાહુલ ગાંધીની એ અરજીને ફગાવી દીધી છે, જેમાં તેમણે ગિરગાંવ મેજિસ્ટ્રેટ દ્વારા ૨૮ ઓગસ્ટ ૨૦૧૯ ના રોજ જારી કરાયેલા આદેશને પડકાર્યો હતો. આ આદેશ હેઠળ તેમની વિરુદ્ધ માનહાનિની ફરિયાદ પર કાનૂની કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

હાઇકોર્ટને મેજિસ્ટ્રેટના આદેશમાં કોઈ ખામી ન જણાઈ

બોમ્બે હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ( તેને મેજિસ્ટ્રેટ દ્વારા આપવામાં આવેલા આદેશમાં એવી કોઈ ‘કાનૂની ભૂલ કે ક્ષતિ’ જોવા મળી નથી, જેના આધારે અદાલતે તેમાં હસ્તક્ષેપ કરવો પડે. ન્યાયમૂર્તિ બોરકરે નોંધ્યું હતું કે આદેશમાં કોઈ ખામી નથી અને તેથી રાહુલ ગાંધીની અરજી રદ કરવામાં આવે છે. જોકે, હાઇકોર્ટે પોતાના નવેમ્બર ૨૦૨૧ ના એ આદેશને લંબાવ્યો છે, જેમાં મેજિસ્ટ્રેટ અદાલતને માનહાનિની ફરિયાદ પરની સુનાવણી છ સપ્તાહ માટે મુલતવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાહુલ ગાંધી માટે રાહત મેળવવા સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો રહેશે.

શું છે સમગ્ર મામલો?

આ માનહાનિનો કેસ ૨૦૧૮ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી એક ટિપ્પણી સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધીએ રાફેલ લડાકુ વિમાન સોદાને લઈને પીએમ મોદી પર પ્રહારો કરતા તેમને ‘કમાન્ડર-ઇન-થીફ’ એટલે કે ‘ચોરોના સરદાર’ કહ્યા હતા. આ મામલે ફરિયાદી એમ. એચ. શ્રીશ્રીમલે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોતાની ઓળખ શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) ના સભ્ય તરીકે આપી હતી.

ફરિયાદ અનુસાર, રાહુલ ગાંધીએ સપ્ટેમ્બર ૨૦૧૮ માં રાજસ્થાનમાં એક જાહેર સભા દરમિયાન પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ આ ટિપ્પણી કરી હતી. આરોપ છે કે તેમણે પાછળથી પોતાના સત્તાવાર એક્સ (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર એક વિડીયો પણ પોસ્ટ કર્યો હતો, જેમાં પ્રધાનમંત્રી માટે આવા જ શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ફરિયાદીના આરોપો અને રાહુલ ગાંધીના વકીલોની દલીલો

ફરિયાદી શ્રીશ્રીમલનું કહેવું હતું કે રાહુલ ગાંધીની ટિપ્પણીઓ માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂરતી સીમિત ન હતી, પરંતુ તેનાથી ભાજપના સભ્યો અને પ્રધાનમંત્રી સાથે જોડાયેલા ભારતીય નાગરિકોની પણ બદનામી થઈ છે. તેમણે રાહુલ ગાંધીના નિવેદનને સીધા અર્થમાં ચોરીનો આરોપ લગાવનારું ગણાવ્યું હતું.

બીજી તરફ, રાહુલ ગાંધી વતી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ સુદીપ પસબોલા અને એડવોકેટ કુશલ મોરે અદાલતમાં દલીલ કરી હતી કે આ ફરિયાદ પાયાવિહોણી અને તુચ્છ છે. તેમણે રજૂઆત કરી હતી કે ફરિયાદી પોતે આ કથિત ટિપ્પણીથી સીધી રીતે પ્રભાવિત કે પીડિત વ્યક્તિ નથી, તેથી તેમની પાસે આવી માનહાનિની ફરિયાદ નોંધાવવાનો કોઈ કાનૂની આધાર નથી. જોકે, હાઇકોર્ટે આ દલીલો સ્વીકારી ન હતી અને મેજિસ્ટ્રેટના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને અરજી ફગાવી દીધી હતી.

કેસમાં હવે આગળ શું થશે?

હાઇકોર્ટના આ ચુકાદા બાદ ૨૦૧૯ માં જારી કરાયેલું સમન્સ હાલ પૂરતું બહાલ રહેશે. જોકે, ૨૦૨૧ માં હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશના કારણે મેજિસ્ટ્રેટ અદાલતમાં આ ફરિયાદ પરની સુનાવણી છ સપ્તાહ સુધી સ્થગિત રહેશે, જેથી રાહુલ ગાંધી આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવી શકે.

rahul gandhi congress narendra modi bharatiya janata party bombay high court political news indian politics national news mumbai mumbai news supreme court