મનુસ્મૃતિએ સ્ત્રીને દરેક તબક્કે પુરુષોને આધીન રહેવાની વાત કરી હતી, તમે આ પીંજરું તોડો

23 August, 2026 06:38 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં છાત્રો કી ગુંજ કાર્યક્રમમાં હાજર રહેલા હજારો વિદ્યાર્થિનીઓની વ્યથા સાંભળીને રાહુલ ગાંધીએ કહ્યું...

ચાર્મિંગ રાહુલ ગાંધીને જોઈને યંગ છોકરીઓ ઘેલી-ઘેલી થઈ ગઈ હતી. તેઓ મોબાઇલમાં રાહુલ ગાંધીના ફોટો પાડી રહી હતી અને વિડિયો લઈ રહી હતી.

પુણેમાં આયોજિત ‘છાત્રો કી ગુંજ’ કાર્યક્રમમાં ગઈ કાલે વિદ્યાર્થિનીઓને સંબોધતાં કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘મહિલાઓ દેશની સૌથી મોટી તાકાત છે, પણ મહિલા ક્યારેય સ્વતંત્ર ન રહે એ માટે મનુસ્મૃતિએ સ્ત્રીને દરેક તબક્કે પુરુષોને આધીન રહેવાની વાત કહી છે. તમે (મહિલાઓ) પોતાના સિવાય કોઈની પણ સાથે બંધાયેલી નથી. મહિલાઓ પર પિતા, પતિ, પુત્ર એમ કોઈ પણ પુરુષનો અધિકાર નથી. તેની ઓળખ પોતાની છે. મહિલાઓએ અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી હોવા છતાં તેમને એક ચોક્કસ ચોકઠામાં જ બેસાડાય છે. મહિલાઓ, તમે પીંજરું તોડો એ જ આ કાર્યક્રમની સંકલ્પના છે. હું અહીં રાજકારણ પર બોલવા નથી આવ્યો. એજ્યુકેશનમાં પણ છોકરીઓ સાથે ભેદભાવ થાય છે. આ દેશની છોકરીઓ સ્વંતત્ર થાય એ મહત્ત્વનું છે.’

આદિવાસી વિદ્યાર્થિનીઓએ જણાવી તેમની વ્યથા
આ કાર્યક્રમમાં એક આદિવાસી વિદ્યાર્થિની નિશા રાઠોડે કહ્યું હતું કે ‘સરકારનો વિરોધ કરવા બદલ તેને પાંચ વર્ષથી લોકો ગાળો આપી રહ્યા છે, પણ તેને ફરક પડતો નથી. તે સત્યની સાથે છે.’ 
તેમને પડતી હાલાકીઓનું નિરૂપણ કરતાં નિશા રાઠોડે કહ્યું હતું કે ‘આદિવાસી સ્કૂલોનું કિચન સેન્ટ્રલ કિચન હોય છે. એક જગ્યાએ ખાવાનું બનીને બધી જગ્યાએ ડિસ્ટ્રિબ્યુટ થાય છે. ઘણી વાર એ સેન્ટ્રલ કિચન ૭૦-૮૦ કિલોમીટર દૂર હોય છે. ખાવાનું સ્કૂલ પર પહોંચે ત્યાં સુધીમાં બગડી જાય છે અને ફૂડ-પૉઇઝનિંગ થાય છે. આશ્રમ સ્કૂલોમાં બેડ નથી, પીવાનું પાણી નથી. ગડચિરોલીમાં સાપના કરડવાથી ૩ સ્ટુડન્ટનાં મોત થયાં. સરકાર તેમના પરિવારને એક-એક કરોડ રૂપિયાની મદદ કરે. પુણેમાં જે આદિવાસી હૉસ્ટેલ છે એ પુણેના સેન્ટ્રલ વિસ્તારથી એટલી દૂર છે કે ત્યાંથી કોલેજમાં આવવા-જવામાં જ ૪ કલાકનો સમય નીકળી જાય છે એટલે ભણવા માટે સમય જ રહેતો નથી. અમે આ બધી જ સમસ્યાઓને લઈને ઉપવાસ પર બેઠા છીએ અને નિવેદન પણ આપ્યું છે એના પર કોઈ પગલાં લેવા.’ 

રાહલ ગાંધીએ તેમની સ્પીચમાં મહિલાઓની સ્થિતિ વિશે બીજું શું કહ્યું? 
 દેશમાં દર ૧૦૦ મહિલાઓમાંથી ૬ પર અત્યાચાર થાય છે.
 દર વર્ષે સાડાચાર લાખ મહિલા ભ્રૂણની હત્યા કરવામાં આવે છે. 
 આર્થિક હિંસાચારનો સામનો પણ અનેક મહિલોઓએ કરવો પડે છે. 
 ૮૪ ટકા મહિલાઓએ કામ કરવા પરવાનગી લેવી પડે છે.
 મહિલાઓને પચીસ ટકા પગાર ઓછો આપવામાં આવે છે. 

mumbai news mumbai pune news pune maharashtra news maharashtra rahul gandhi congress