૧૨ દિવસથી હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓને મળીને પરિસ્થિતિ જાણવાની વિનંતી કરી

26 August, 2026 07:44 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં આદિવાસી વિદ્યાર્થીઓના આંદોલનને લઈને રાહુલ ગાંધીનો દેવેન્દ્ર ફડણવીસને ખુલ્લો પત્ર

માંજરી સ્ટડ ફાર્મ ખાતે આંદોલન કરી રહેલા આદિવાસી હૉસ્ટેલના વિદ્યાર્થીઓ. આમરણ ઉપવાસ કરી રહેલા એક વિદ્યાર્થીની હાલત કથળી હતી.

કૉન્ગ્રેસના સંસદસભ્ય અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ખુલ્લો પત્ર લખીને પુણેમાં આદિવાસી વિદ્યાર્થીઓને મળવા વિનંતી કરી છે જેઓ તેમની વિવિધ માગણીઓ માટે ૧૨ દિવસથી બેમુદત ભૂખહડતાળ પર બેઠા છે. ગઈ કાલે તેમના એક વિદ્યાર્થીની તબિયત કથળતાં મામલો ગંભીર બની ગયો હતો.

રાહુલ ગાંધીએ દેવેન્દ્ર ફડણવીસને સંબોધિત પત્ર અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા સુપરત કરાયેલા મેમોરેન્ડમ શૅર કર્યા હતા. તેમના પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે ‘ઘણા આદિવાસી વિદ્યાર્થીઓ દૂરનાં ગામડાંઓમાંથી આવે છે અને શહેરોમાં અભ્યાસ કરવા માટે સરકારી હૉસ્ટેલ પર આધાર રાખે છે. એક નવો નિયમ ૩૦ વર્ષથી વધુ ઉંમરના કોઈ પણને આ હૉસ્ટેલમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ મૂકે છે એ દૂર કરવામાં આવે.’
રાહુલ ગાંધીએ કહ્યું કે ‘છાત્રોં કી ગુંજ’ કાર્યક્રમ માટે પુણેની મુલાકાત લીધી ત્યારે યુવતીએ તેમને આદિવાસી વિદ્યાર્થીઓ વિશે જણાવ્યું હતું પછી તેમને પત્ર લખવાની ફરજ પડી હતી. રાહુલ ગાંધીએ તેમના પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે લાંબા સમય સુધી ગેરહાજરી પછી હૉસ્ટેલમાં પાછી ફરતી વખતે વિદ્યાર્થિનીઓની પ્રેગનન્સી ટેસ્ટ અને અન્ય મેડિકલ તપાસ કરાવવાની કથિત પ્રથા 
વિશે સ્પષ્ટ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.

માંજરીમાં ચાલી રહ્યું છે આદિવાસી આંદોલન  
માંજરી સ્ટડ ફાર્મ ખાતે આવેલી આદિવાસી હૉસ્ટેલના વિદ્યાર્થીઓ તેમની વિવિધ માગણીઓ માટે છેલ્લા ૧૫ દિવસથી આંદોલન કરી રહ્યા છે અને ૧૨ દિવસથી આમરણ ઉપવાસ પર બેઠા છે. સરકાર તેમના તરફ ધ્યાન ન આપતી હોવાનું કહી વિદ્યાર્થીઓ સરકાર પર નારાજ છે. કેટલાક વિદ્યાર્થીઓ રડી પડ્યા છે. એક વિદ્યાર્થીની હાલત કથળતાં ડૉક્ટરોએ ચિંતા વ્યક્ત કરી હતી. તેઓ કાંઈ પણ થાય તો પણ આંદોલન પાછું ન ખેંચવા મક્કમ છે. આ આંદોલન વકરવાની ભીતિ છે. વિદ્યાર્થીઓની માગણી છે કે ૩૦ વર્ષની ઉંમરની જે કૅપ મૂકી છે એ હટાવવામાં આવે. વિદ્યાર્થીઓને મળતી ડાયરેક્ટ રાહતની રકમમાં વધારો કરાવામાં આવે. ઍડ્‌મિશન પ્રોસેસ સમયસર પૂરી કરવી. જાતિ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે ૬ મહિનાની મુદત આપવી. આદિવાસી વિદ્યાર્થીઓની હૉસ્ટેલ એ ઘણી વાર શહેરના છેક છેવાડે હોય છે એ શહેરની મધ્યમાં બનાવવામાં આવે. 

mumbai news mumbai congress rahul gandhi pune pune news devendra fadnavis maharashtra government maharashtra maharashtra news