15 July, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે, ઉદ્ધવ ઠાકરે
નાશિકના ઇગતપુરીમાં ગઈ કાલથી શરૂ થયેલી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની ત્રણ દિવસની શિબિરમાં અનૌપચારિક વાતો દરમ્યાન રાજ ઠાકરેએ કહ્યું હતું કે પાંચમી જુલાઈએ જે વિજય મેળાવડો થયો એ માત્ર મરાઠીના મુદ્દા પૂરતો જ હતો. આવું નિવેદન કરીને ફરી એક વખત MNSએ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) સાથે યુતિ કરશે કે નહીં એના પર અસમંજસ ઊભી કરી દીધી છે. બીજી બાજુ MNSના બાળા નાંદગાવકરે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે અમે અત્યાર સુધી એકલા જ ચૂંટણી લડતા આવ્યા છીએ અને હવે પછી પણ જરૂર જણાશે તો એકલા જ લડીશું.
આમ રાજ ઠાકરેના મનમાં એક્ઝૅક્ટ્લી શું ચાલી રહ્યું છે અને શું પગલાં લેવાય છે એના પર રાજકીય નિરીક્ષકો નજર માંડીને બેઠા છે.
બાળા નાંદગાવકરના સ્ટેટમેન્ટ પર પ્રતિક્રિયા આપતાં રાજ ઠાકરેએ કહ્યું હતું કે ‘પાંચમી જુલાઈએ અમે એક બાબત માટે સાથે આવ્યા હતા અને એ એટલે ત્રીજી ભાષાની જબરદસ્તીનો વિરોધ. હાલ ચૂંટણીનો માહોલ દેખાઈ રહ્યો છે. જે કંઈ મહારાષ્ટ્રના મનમાં છે એ અમે અમારી બાજુથી કરીશું. અમે રાજકારણ જોતા નથી, અમે મરાઠીનું હિત જોઈએ છીએ. બીજા પક્ષ વિશે હું કંઈ ન કહી શકું.’
વિજય મેળાવડામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સાથે આવ્યા છીએ સાથે રહેવા માટે. એટલે રાજ ઠાકરેના લેટેસ્ટ નિવેદન વિશે તેમને ગઈ કાલે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે તેમના પક્ષપ્રમુખ (રાજ ઠાકરે)એ તેમને આ બાબતે બોલવું નહીં એવો આદેશ આપ્યો છે, પહેલાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓ જાહેર થવા દો પછી જોઈશું.