21 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિશિકાંત દુબે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના ચીફ રાજ ઠાકરે અને ઝારખંડમાં ગોડ્ડાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંસદસભ્ય નિશિકાંત દુબે વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. દુબેના ‘પટક-પટક કે મારેંગે’ના નિવેદન પર રાજ ઠાકરેએ ‘ડૂબે ડૂબે કે મારેંગે’ એવો જવાબ આપ્યો છે એટલે દુબેએ રાજ ઠાકરે પર કટાક્ષ કર્યો હતો કે ‘મૈંને રાજ ઠાકરે કો હિન્દી સિખા દી?’
મુંબઈમાં એક દુકાનદારને મરાઠી ન બોલવા બદલ માર મારવામાં આવ્યો હતો, જેના પર નિશિકાંત દુબેએ કથિત રીતે કહ્યું હતું કે ‘જો તમે આટલા મોટા બૉસ છો તો બિહાર, ઉત્તર પ્રદેશ અને તામિલનાડુ આવો... પટક-પટક કે મારેંગે.’ આ નિવેદનથી ઘણો વિવાદ થયો હતો.
આના પર રાજ ઠાકરેએ મીરા-ભાઈંદરમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે નિશિકાંત દુબેને મુંબઈ આવવા પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે ‘તમે મુંબઈ આવો. અમે તમને મુંબઈના સમુદ્રમાં ડૂબે ડૂબે કે મારેંગે.’
જ્યારે રાજ ઠાકરે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે તેઓ હિન્દીમાં બોલી રહ્યા હતા. તેમના આ નિવેદન પર નિશિકાંત દુબેએ વળતો જવાબ આપ્યો, ‘શું મેં રાજ ઠાકરેને હિન્દી શીખવી દીધું?’