28 March, 2025 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દાદરના શિવાજી પાર્ક પરિસરમાં MNSની ગુઢીપાડવાની સભાનું પોસ્ટર લગાવવામાં આવ્યું છે, જેમાં બાળાસાહેબ અને પ્રબોધનકાર ઠાકરેના ફોટો વાપરવામાં આવ્યા છે.
રાજ ઠાકરેએ શિવસેનામાંથી અલગ થઈને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ની સ્થાપના કર્યા બાદ પણ બાળાસાહેબ ઠાકરેનો ફોટો વાપર્યો હતો ત્યારે બાળાસાહેબે રાજ ઠાકરેને પોતાનો ફોટો કોઈ જગ્યાએ ન વાપરવાની સૂચના આપી હતી. આથી રાજ ઠાકરેએ બાળાસાહેબનો ફોટો વાપરવાનું બંધ કરી દીધું હતું. જોકે ૩૦ માર્ચે ગુઢીપાડવાએ શિવાજી પાર્ક મેદાનમાં MNSની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે એમાં બાળાસાહેબ જ નહીં, તેમના પિતા પ્રબોધનકાર ઠાકરેનો ફોટો પોસ્ટરોમાં વાપરવામાં આવ્યો છે. દાદરમાં આવાં પોસ્ટરો લાગ્યાં છે એ જોઈને સૌને આશ્ચર્ય થઈ રહ્યું છે.
રાજ ઠાકરેની સભાનાં પોસ્ટરોમાં બાળાસાહેબ અને પ્રબોધનકાર ઠાકરેના ફોટો છાપવામાં આવ્યા હોવાની માહિતી મળ્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘બધાને બાળાસાહેબના નેતૃત્વ સિવાય બીજો કોઈ પર્યાય નથી એ MNSની સભાનાં પોસ્ટરોમાંથી જણાઈ આવે છે. મહારાષ્ટ્રમાં વિજય મેળવવા માટે ગદ્દારોએ પણ બાળાસાહેબનો ફોટો વાપરવો પડે છે. રાજ ઠાકરે હોય કે એકનાથ શિંદે, તેમનામાં હિંમત હોય તો બાળાસાહેબનું નામ અને ફોટો વાપર્યા વિના ચૂંટણી લડે. મહારાષ્ટ્રની જનતા તેમને તેમની જગ્યા દેખાડી દેશે.’
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે રાજ્ય સરકારે બાળાસાહેબનું નામ મહાન વ્યક્તિઓની યાદીમાં સામેલ કર્યું હતું એટલે તેમનો ફોટો કોઈ પણ વાપરી શકે છે.
MNSના પદાધિકારી યશવંત કિલ્લેદારે પોસ્ટરમાં બાળાસાહેબ ઠાકરે અને પ્રબોધનકાર ઠાકરેના ફોટો વિશે કહ્યું હતું કે ‘અમારા પક્ષના કાર્યકર મુનાફ ઠાકુરે શિવાજી પાર્ક પરિસરમાં પોસ્ટરો લગાવ્યાં છે. ઠાકરે પરિવાર પ્રત્યેની ભાવનાથી પ્રેરિત થઈને તેણે આવાં પોસ્ટરો લગાવ્યાં છે. અમે વહેલી તકે આ પોસ્ટરો દૂર કરીશું.’