06 March, 2025 08:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
મુંબઈની સેશન કોર્ટ દ્વારા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્મા સામે ચેક બાઉન્સ કેસમાં બિન-જામીનપાત્ર વૉરન્ટ (non-bailable warrant) જાહેર કરવામાં આવ્યું છે. પીટીઆઈના અહેવાલ મુજબ, આ કેસમાં જેલની સજા સ્થગિત કરવાની માગણીની અરજી ફગાવી દેવાયા બાદ આ વૉરન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
પીટીઆઈ અનુસાર, 21 જાન્યુઆરીના રોજ, અંધેરીના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) વાય પી પૂજારીએ વર્માને નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઍક્ટ હેઠળ દોષિત ઠરાવવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ત્રણ મહિના જેલ કેદની સજા ફટકારી છે અને ત્રણ મહિનાના સમયગાળામાં ફરિયાદીને 3,72,219 રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ, ફિલ્મ નિર્માતાએ તેમની સજાને સ્થગિત કરવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી. જોકે, એડિશનલ સેશન્સ જજ એ.એ. કુલકર્ણીએ 4 માર્ચે તેમની અપીલ ફગાવી દીધી. અહેવાલ મુજબ, વર્મા કોર્ટમાં હાજર થયા નહોતા, જેના કારણે ન્યાયાધીશે તેમના વિરુદ્ધ બિન-જામીનપાત્ર વૉરન્ટ જાહેર કર્યું. સાથે જ તેમની સજા સ્થગિત કરવાની અરજી પણ નામંજૂર કરી દેવામાં આવી હતી. હવે આ કેસની આગામી સુનવણી 28 જુલાઈએ થશે, જ્યારે આ વૉરન્ટ અમલમાં મૂકવામાં આવશે. કોર્ટે નોંધ્યું છે કે વર્માને જામીન માટે અરજી કરવાનો અધિકાર છે, પરંતુ તે માત્ર કોર્ટમાં વ્યક્તિગત હાજરી આપ્યા પછી જ શક્ય રહેશે.
આ કેસ 2018નો છે, જ્યારે એક કંપનીએ વર્માની કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમના દ્વારા જાહેર કરાયેલ ચેક બાઉન્સ થયો છે. ફરિયાદીના વકીલ રાજેશકુમાર પટેલે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ એક ઍફિડેવિટ રજૂ કર્યું હતું જેમાં સમગ્ર ઘટના અંગે વિગત આપી હતી. ઍફિડેવિટમાં જણાવાયું છે કે ફરિયાદીની કંપની ઘણા વર્ષોથી હાર્ડ ડિસ્ક સપ્લાયનું વ્યવસાય કરે છે. વર્માની વિનંતી પર, કંપનીએ ફેબ્રુઆરી અને માર્ચ 2018 વચ્ચે હાર્ડ ડિસ્ક સપ્લાય કરી હતી, જેના પગલે 2,38,220 રૂપિયાના અનેક ટૅક્સ ઇન્વોઇસ તૈયાર કરવામાં આવ્યા. આ રકમની ચૂકવણી માટે વર્માની કૂંપની દ્વારા 1 જૂન 2018ના રોજ એક ચેક જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, બૅન્ક બૅલૅન્સ ઓછું હોવાના કારણે ચેક બાઉન્સ થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ આ મુદ્દે વર્માને જાણ કરી. જેના પગલે એજ રકમનો બીજો ચેક જાહેર કરવામાં આવ્યો. બીજો ચેક પણ બાઉન્સ થયો, અને આ વખતે તેનું કારણ "ડ્રોઅર દ્વારા ચુકવણી બંધ કરવામાં આવી" હતું. કોઈ ઉકેલ ન આવતાં, ફરિયાદીને કાયદેસર કાર્યવાહી કરવી પડી. પરિણામે, કોર્ટ દ્વારા વર્માને દોષી ઠરાવવામાં આવ્યા છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી આગળ વધી રહી છે.
રામ ગોપાલ વર્મા, `સત્ય`, `રંગીલા`, `કંપની` અને `સરકાર` જેવી અનેક ફિલ્મો માટે પ્રખ્યાત છે.