12 July, 2025 07:09 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent
મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે ફરી એક વાર ૭૫ વર્ષ બાદ રિટાયર થવાનો વિવાદ છેડ્યો છે. આ સંદર્ભે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે સંઘના પ્રમુખનો આ મેસેજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે છે.
વડા પ્રધાન સપ્ટેમ્બરમાં અને મોહન ભાગવત ડિસેમ્બરમાં ૭૫ વર્ષના થઈ રહ્યા છે.
બુધવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું હતું કે જ્યારે પણ કોઈ આપને ૭૫ વર્ષના થવા પર અભિનંદન આપે છે ત્યારે એનો મતલબ એ થાય છે કે આપે હવે અટકી જવાની જરૂર છે અને બીજાને કામ કરવા દેવું જોઈએ.
આ મુદ્દે સંજય રાઉતે કહ્યું હતું કે ‘સંઘના પ્રમુખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મેસેજ આપી રહ્યા છે. વડા પ્રધાને લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, જશવંત સિંહ જેવા નેતાઓને જબરદસ્તી રિટાયર કરી દીધા હતા, કારણ કે તેઓ ૭૫ વર્ષના થઈ ગયા હતા. હવે જોઈએ છીએ વડા પ્રધાન ખુદ એનું પાલન કરે છે કે નહીં.’
આ પહેલાં માર્ચમાં રાઉતે દાવો કર્યો હતો કે નરેન્દ્ર મોદી પોતાના રિટાયરમેન્ટના પ્લાનની ઘોષણા કરવા નાગપુર ગયા હતા. તેઓ વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર નાગપુર ગયા હતા.
BJPએ કર્યો છે ઇનકાર
ભારતીય જનતા પાર્ટી (BJP)એ વડા પ્રધાનના રિટાયરમેન્ટનો ઇનકાર કર્યો છે. ગયા વર્ષે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ‘૭૫ વર્ષના થયા બાદ પણ વડા પ્રધાન મોદી સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થવાના નથી. BJPના બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી. મોદીજી ૨૦૨૯ સુધી દેશનું નેતૃત્વ કરશે અને આગામી ચૂંટણીમાં પણ નેતૃત્વ કરશે.’