18 January, 2025 02:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રિક્ષાચાલક ભજન સિંહ
બુધવારે મધરાત બાદ હુમલામાં ઘાયલ થયેલા સૈફ અલી ખાનને જે રિક્ષાવાળો હૉસ્પિટલ લઈ ગયો હતો તેણે રિક્ષા હોલી ફૅમિલી હૉસ્પિટલ તરફ વાળી હતી, કારણ કે ખાન પરિવાર તરફથી હૉસ્પિટલ લઈ જવાનું કહેવામાં આવ્યું હતું, પણ સૈફે રિક્ષાવાળાને લીલાવતી હૉસ્પિટલ રિક્ષા લઈ જવાનું કહ્યું હતું.
સૈફને હૉસ્પિટલ પહોંચાડનારા રિક્ષાચાલક ભજન સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘હું મૂળ ઉત્તરાખંડનો વતની છું અને ૨૦ વર્ષથી મુંબઈમાં ઑટો ચલાવું છું. મોટે ભાગે રાત્રે જ ઑટો ચલાવું છું. બુધવારની રાત્રે પણ હું ઑટો લઈને નીકળ્યો હતો ત્યારે બાંદરા-વેસ્ટમાં એક બિલ્ડિંગની બહાર ગેટ પાસે કેટલાક લોકો રિક્ષા... રિક્ષાની બૂમો પાડી રહ્યા હતા. આથી હું ત્યાં પહોંચ્યો હતો. લોહીલુહાણ હાલતમાં સફેદ કુરતો પહેરેલો એક વ્યક્તિ, એક બાળક અને એક યુવકને ગેટ પાસે ઊભેલા લોકોએ મારી ઑટોમાં બેસાડ્યા હતા. અમે લીલાવતી હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે લોહીલુહાણ હાલતમાં જે વ્યક્તિ હતી તેણે મને કહ્યું કે ‘મૈં સૈફ અલી ખાન હૂં, જલદી સ્ટ્રેચર લાઓ. આ સાંભળ્યા બાદ મને ખબર પડી હતી કે મારી રિક્ષામાં અભિનેતા સૈફ અલી ખાન હતો.’