11 February, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તૈમુર સાથે સૈફ અલી ખાન.
૧૬ જાન્યુઆરીએ જ્યારે સૈફ અલી ખાનના બાંદરા-વેસ્ટના સતગુરુ શરણ અપાર્ટમેન્ટમાં આવેલા ઘરમાં ચોરીના ઇરાદે એક અજાણ્યો યુવક ઘૂસ્યો હતો અને ત્યાર બાદ તેની સૈફ અલી ખાન સાથે થયેલી ઝપાઝપીમાં સૈફ ઘાયલ થયો હતો અને હૉસ્પિટલમાં તેણે સારવાર પણ લેવી પડી હતી. જોકે અત્યાર સુધી એ રાતે ખરેખર શું બન્યું હતું એ સૈફે કોઈને જણાવ્યું નહોતું. જોકે હુમલાના પચીસ દિવસ બાદ હવે સૈફ અલી ખાને એક ઇન્ટરવ્યુમાં એ રાતની પૂરી હકીકત જણાવી છે. સૈફના જ શબ્દોમાં વાંચો...
પત્ની કરીના ક્યાં હતી?
હુમલા વખતે મારી સાથે કરીના પણ ઘરમાં જ હતી. તે ડિનર કરવા માટે બહાર ગઈ હતી, પણ રાતે ઘરે આવી ગઈ હતી. હું પણ કરીના સાથે ડિનર પર જવાનો હતો, પણ નહોતો જઈ શક્યો. કરીના ઘરે આવ્યા બાદ અમે થોડી વાતચીત કરી હતી અને બેડરૂમમાં જઈને સૂઈ ગયાં હતાં. થોડા સમય પછી હાઉસહેલ્પે દોડી આવીને કહ્યું હતું કે એક અજાણ્યો યુવક જેહબાબાની રૂમમાં છે, તેના હાથમાં ચાકુ છે અને રૂપિયાની માગણી કરી રહ્યો છે. એ સમયે રાતના બે વાગ્યા હતા.
પુત્ર જેહની રૂમમાં શું જોયું?
હાઉસહેલ્પની વાત સાંભળીને હું દોડીને જેહની રૂમમાં ગયો ત્યારે એક યુવક જેહના બેડ પાસે ઊભો હતો. તેનો ચહેરો માસ્કથી ઢંકાયેલો હતો અને તેના બન્ને હાથમાં ચાકુ હતાં. તે જેહને ઈજા પહોંચાડી શકે એમ હોવાથી પળનોય વિલંબ કર્યા વિના ધસી જઈને મેં યુવકને પકડી લીધો હતો અને તેને નીચે પછાડી દીધો હતો. એ પછી અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી.
જ્યાં અટૅક થયો એ સતગુરુ શરણ બિલ્ડિંગ.
હુમલો ક્યારે કર્યો?
ઝપાઝપી બાદ મેં યુવકને આગળથી કસીને પકડી લીધો હતો ત્યારે યુવકે પહેલાં મારી પીઠ અને પછી ગળામાં ચાકુના ઘા માર્યા હતા. ચાકુના બે હુમલા બાદ પણ મેં યુવકને પકડી રાખ્યો હતો. આથી મારી પકડમાંથી છૂટવા યુવકે બન્ને હાથેથી મારી પીઠમાં ઉપરાઉપરી ચાકુ માર્યાં હતાં. આ હુમલામાં ગંભીર ઈજા થવાથી મારી પકડ ઢીલી થતાં યુવક મારા હાથમાંથી છટકી ગયો હતો.
હાઉસહેલ્પ પર ક્યારે હુમલો કર્યો?
યુવક મારા પર ચાકુથી હુમલો કરી રહ્યો હતો ત્યારે હાઉસહેલ્પ ગીતાએ યુવકને પકડીને ધક્કો માર્યો હતો, જેમાં ચાકુની ધાર ગીતાના હાથમાં વાગી જતાં તેને ઈજા થઈ હતી.
જેહ ક્યાં હતો?
યુવકે મારા પર હુમલો કર્યો હતો ત્યારે જેહ રૂમમાં જ હતો. તેણે બધું જ જોયું છે. હું એ સમયે તેને યુવકથી બચાવવા મથી રહ્યો હતો એટલે જેહે શું કર્યું હતું એના પર ધ્યાન નહોતું રહ્યું. યુવકને રૂમમાં બંધ કરી દીધા બાદ જેહ સહિત અમે બધાં ઉપરના ફ્લોરમાં જતાં રહ્યાં હતાં.
સૈફ પર હુમલો કરનાર અટૅકર.
આરોપી ક્યાંથી ભાગ્યો?
મારી પકડમાંથી છૂટ્યા બાદ યુવક રૂમના અંદરના ભાગમાં જતો રહ્યો હતો. આથી હાઉસહેલ્પ ગીતાએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધો હતો. જેહની રૂમના બાથરૂમમાં આરોપી ડ્રેનેજ લાઇનની પાઇપ પકડીને ઉપર ચડ્યો હતો અને ત્યાંથી જ તે નીચે ઊતરીને ભાગી ગયો હશે.
ઑટોરિક્ષા કોણે બોલાવી?
હુમલા બાદ અમે બધાં ઘરની બહાર નીકળીને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ગયાં હતાં. અહીં કરીનાએ ઑટો અને કૅબ બોલાવવા બૂમો પાડી હતી.
હુમલા પછી કરીના ક્યાં ગઈ?
હું પુત્ર તૈમુર અને હરિ સાથે રિક્ષામાં હૉસ્પિટલ જવા રવાના થયો હતો ત્યારે કરીનાએ પોતે કરિશ્માના ઘરે જવાનું કહ્યું હતું અને બાદમાં તે જતી રહી હતી.
ડ્રાઇવર કેમ નહોતા?
અમારા ઘરમાં આખી રાત કોઈ ડ્રાઇવર નથી રહેતા. બધાને પોતાનું ઘર છે. ઘરમાં કેટલાક હાઉસહેલ્પ રહે છે. ક્યારેક રાતના સમયે બહાર જવાનું હોય તો અમે ડ્રાઇવરને રોકાવાનું કહીએ છીએ. હુમલા બાદ ડ્રાઇવરને ફોન કરીશું તો પણ તેને આવવામાં સમય લાગશે અને જલદી હૉસ્પિટલ પહોંચવું જરૂરી હતું એટલે એમ વિચારીને અમે ઑટોમાં નીકળ્યા હતા. જો કારની ચાવી મળી હોત તો હું જ ડ્રાઇવ કરીને હૉસ્પિટલ ગયો હોત.
હાઉસહેલ્પ ગીતા
તૈમુરે જ હૉસ્પિટલ આવવા જીદ કરી
યુવક સાથે થયેલી લડાઈ બાદ મારા કુરતામાંથી લોહી ટપકવા લાગ્યું હતું. હું, કરીના, તૈમુર અને જેહ સાથે ફ્લૅટમાંથી નીકળીને બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં ગયાં હતાં. કરીના ગભરાઈને કૉલ્સ કરી રહી હતી, પરંતુ કોઈ જાગ્યું નહીં. પછી અમે બન્નેએ એકબીજાંની સામે જોયું હતું અને મેં કહ્યું હતું હું ઠીક છું, હું મરવાનો નથી. આ સાંભળીને તૈમુરે પણ મને પૂછ્યું હતું શું તમે મરી જશો? મેં તેને કહ્યું ના. એ સમયે તૈમુર એકદમ શાંત હતો. તેણે મને કહ્યું હતું કે હું તમારી સાથે હૉસ્પિટલ આવું છું. એ સમયે તૈમુરની સામે જોઈને પણ મને રાહત મળતી હતી. હું પણ હૉસ્પિટલ એકલો નહોતો જવા માગતો. કરીનાએ તેને મારી સાથે મોકલ્યો હતો. કદાચ એ સમયનો આ નિર્ણય યોગ્ય હતો. ત્યારે મને એવો પણ વિચાર આવ્યો હતો કે ન કરે નારાયણ ને મને કંઈ થઈ જાય તો ત્યારે મારી સામે તૈમુર હોય તો સારું. અને તેણે પણ મારી સાથે આવવું જ હતું. આથી હું, તૈમુર અને હરિ સાથે ઑટોમાં હૉસ્પિટલ ગયા હતા.