17 May, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય રાઉત, દેવેન્દ્ર ફડણવીસ
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT)ના રાજ્યસભાના સંસદસભ્ય અને મુખ્ય પ્રવક્તા સંજય રાઉતે લખેલું પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’નું આજે પ્રકાશન થઈ રહ્યું છે ત્યારે મરાઠી ભાષામાં લખવામાં આવેલા આ પુસ્તકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર બાળાસાહેબ ઠાકરે અને શરદ પવારે કેવાં અને કેટલાં અહેસાન કર્યાં હતાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આથી ગઈ કાલે કેટલાક પત્રકારોએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને આ પુસ્તક વાંચવા વિશે પૂછ્યું ત્યારે તેમણે ‘કથા, નવલકથા કે બાળસાહિત્ય વાંચવાની મારી ઉંમર નથી રહી હવે એટલે આવી વાતો હું વાંચતો નથી. સંજય રાઉત કોણ છે? તે બહુ મોટા નેતા છે કે?’ એવો જવાબ આપીને સંજય રાઉત કે તેમનું પુસ્તક તેમના માટે જરાય મહત્ત્વનાં ન હોવાનું કહી દીધું હતું.
શિવસેનાના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નજીકના નેતા સંજય શિરસાટે કહ્યું હતું કે ‘બાળાસાહેબે અનેક લોકોને મદદ કરી હતી, પણ પુસ્તકમાં એ બાબતે કંઈ નથી. ગોધરાની ઘટના બાબતની ભૂમિકા વિશે પણ પુસ્તકમાં કંઈ નથી. નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચોરી-ચપાટી નહોતી કરી. સંજય રાઉત પબ્લિસિટી મેળવવા માટે બોલે છે. તેમને એવું લાગે છે કે તેઓ જે બોલે છે કે લખે છે એ સાચું છે એવું લોકોએ માની લેવું જોઈએ.’