07 July, 2025 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસ, સંજય રાઉત, એકનાથ શિંદે
વિજય મેળાવડામાં મરાઠી સિવાયની બાબતો પર જ બોલવામાં આવ્યું અને અમને સત્તા આપો એવી સ્પષ્ટ માગણી જ ઉદ્ધવ ઠાકરે દ્વારા કરાઈ ત્યારે તેમની એ બાબતને ચગાવતાં રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે એને વિજય મેળાવડો નહીં, પણ છાજિયાં જ ગવાઈ રહ્યાં છે એમ કહ્યું હતું. એના પર હવે સંજય રાઉત બગડ્યા છે. તેમણે જવાબ આપતાં કહ્યું છે કે તમે (દેવેન્દ્ર ફડણવીસ) અને એકનાથ શિંદે સાથે મળી રડવાનું રાખો, અમે પ્રોગ્રામ ગોઠવી આપીશું.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ‘રુદાલી’ શબ્દ વાપરી શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) સત્તા વગર ઝૂરી રહી છે અને છાજિયાં લઈ રહી છે, એવી પ્રતિક્રિયા આપી હતી. એથી હવે શિવસેના (UBT)ના સંજય રાઉત બરાબરના અકળાયા છે. એમાં ગઈ કાલે અષાઢી એકાદશીએ પંઢરપુરમાં પાછું દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘તમે સન્માર્ગે ચાલો, સુબુદ્ધિથી ચાલો. જો આપણે સુબુદ્ધિથી ચાલશું તો બીજાને પણ સુબુદ્ધિ આવશે. જેને દુર્બુદ્ધિ સૂઝે છે એમની શું અવસ્થા થાય છે એ તો તમે જોયું છે, એમ કહી ટોણો માર્યો હતો.
તેમની આ ટીકાથી વ્યથિત થઈ સંજય રાઉતે કહ્યું હતું કે ‘એવું કરો કે તમે અને એકનાથ શિંદે જાહેરમાં રડવાનો કાર્યક્રમ ચાલુ કરો, અમે તમારો રડવાનો કાર્યક્રમ ગોઠવી આપીશું. બન્ને સાથે મળીને ક્યારેક તમે ગાઓ અને શિંદે તબલાં વગાડશે. ક્યારેક એ ગાશે અને તમે તબલાં વગાડજો અને તંબૂરા પર તો બીજા ડેપ્યુટી સીએમ (અજિત પવાર) છે જ.’