25 November, 2024 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શરદ પવાર
વિધાનસભાની ચૂંટણીમાં દારુણ પરાભવનો સામનો કર્યા બાદ ગઈ કાલે પહેલી વાર રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના અધ્યક્ષ શરદ પવારે પત્રકારોને પ્રતિક્રિયા આપી હતી. આ વાતચીતમાં તેમણે હારના કારણથી લઈને આગળની રણનીતિ વિશે વાત કરી હતી.
અમારી અપેક્ષા મુજબનાં પરિણામો નથી, પણ છેવટે લોકોએ આપેલો આ નિર્ણય છે. અત્યારે મારી પાસે કોઈ અધિકૃત માહિતી ન હોવાથી પરિણામ બાબતે કંઈ પણ કહેવું યોગ્ય ન કહેવાય.
અનેક વર્ષોથી અમે સામાજિક જીવનમાં છીએ, પણ આવો અનુભવ ક્યારેય નથી થયો. હવે જ્યારે આવો અનુભવ થયો છે ત્યારે એનો અભ્યાસ કરીને, એનાં કારણો સમજીને નવા ઉત્સાહ સાથે લોકો સમક્ષ જવું જરૂરી છે.
મારે હવે નિવૃત્ત થવું જોઈએ કે નહીં એ હું અને મારા સહકારીઓ નક્કી કરીશું. એ કંઈ મહત્ત્વનો મુદ્દો નથી.
અત્યારે હું અમારા કાર્યકરો અને લોકો પાસેથી જે માહિતી મેળવી રહ્યો છું એ મુજબ લાડલી બહિણ યોજનાનો સત્તાધારી પક્ષો દ્વારા જે દુષ્પ્રચાર કરવામાં આવ્યો (મહા વિકાસ આઘાડી સત્તા પર આવશે તો આ યોજના બંધ થઈ જશે) એને લીધે મોટા પ્રમાણમાં અમુક વર્ગે અમારા વિરોધમાં મતદાન કર્યું.
અમારા અમુક સહકારીઓએ EVM સામે શંકા વ્યક્ત કરી છે, પણ આ બાબતે મારી પાસે કોઈ અધિકૃત માહિતી નહીં આવે ત્યાં સુધી કંઈ પણ નહીં બોલું.
ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પ્રચાર દરમ્યાન બટેંગે તો કટેંગેનો નારો આપ્યો હતો. મને લાગે છે કે એને લીધે મતદારોનું સારુંએવું ધ્રુવીકરણ થયું. અમને એનો ચોક્કસ ફરક પડ્યો છે.
જો મહા વિકાસ આઘાડીએ મુખ્ય પ્રધાનનો ચહેરો પહેલેથી જાહેર કર્યો હોત તો પણ કોઈ ખાસ ફરક પડ્યો ન હોત એવું મને લાગે છે.
મહા વિકાસ આઘાડીએ પ્રચાર પર વધુ જોર આપવાની જરૂર હતી.
ગઈ કાલે (શનિવારે) પરિણામ આવ્યું છે અને આજે હું કરાડમાં છું. હું ઘરે નથી બેસવાનો. યંગસ્ટર્સને આવું પરિણામ આવશે એવું જરાય નહોતું લાગ્યું. તે લોકોને ફરીથી ઊભા કરવા જરૂરી છે. આ લોકોને તૈયાર કરવા એ મારો હવે પછીનો કાર્યક્રમ રહેશે.
અજિત પવાર અને યુગેન્દ્રની તુલના ન થઈ શકે. અજિત પવારની વધારે જગ્યા આવી એ અમાન્ય કરવાની જરાય જરૂર નથી, પણ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો સંસ્થાપક કોણ છે એ આખા મહારાષ્ટ્રને ખબર છે. કોઈકે તો બારામતીથી ઊભા રહેવું જરૂરી હતું. જો ત્યાંથી કોઈને ઊભો ન રાખ્યો હોત તો મહારાષ્ટ્રમાં શું મેસેજ ગયો હોત? અમને ખબર છે કે અજિત અને યુગેન્દ્રની તુલના ન થઈ શકે.