26 March, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવસૈનાનાં મહિલા પદાધિકારી રાણી કપોતેએ શિવસૈનિક મોહન ઉગલેને જાહેરમાં ફટકાર્યા હતા.
કલ્યાણમાં શિવસેનાનાં મહિલા પદાધિકારી રાણી કપોતેએ રવિવારે જાહેરમાં ભરરસ્તે પોતાની જ પાર્ટીના ભૂતપૂર્વ નગરસેવક મોહન ઉગલેને લાફો મારી દેવાની ચોંકાવનારી ઘટના બની હતી. ‘મારી છાતીને હાથ કેમ લગાવ્યો? ગાળો કેમ આપી?’ એવો સવાલ કરીને મહિલા શિવસૈનિકે મારપીટ કરી હોવાનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો.
ભૂતપૂર્વ નગરસેવક મોહન ઉગલે અને શિવસેનાનાં પદાધિકારી રાણી કપોતે વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સ્થાનિક પ્રશ્નો બાબતે વિવાદ થઈ રહ્યો હોવાનું કહેવાય છે. રવિવારે કલ્યાણ-વેસ્ટમાં એક રસ્તાનું ભૂમિપૂજન કરવા બાબતે શિવસેનાનાં આ બન્ને નેતા વચ્ચે ઝઘડો થયો હતો. એનો વિડિયો ગઈ કાલે વાઇરલ થયો હતો. વિડિયોમાં રાણી કપોતે દાવો કરી રહ્યાં છે કે આ રસ્તા માટે સંસદસભ્ય શ્રીકાંત શિંદે અને સ્થાનિક વિધાનસભ્યના ફન્ડમાંથી પોતે કામ કરાવ્યું છે. ભૂતપૂર્વ નગરસેવક અને શિવસેનાના પદાધિકારી મોહન ઉગલે ભૂમિપૂજન કરી રહ્યા હતા ત્યારે રાણી કપોતે પહોંચી ગયાં હતાં. બન્ને વચ્ચે ઝઘડો થયા બાદ રાણી કપોતેએ મોહન ઉગલેને લાફા માર્યા હતા. જોકે રાણી કપોતેએ દાવો કર્યો હતો કે રસ્તાના કામને લીધે નહીં પણ મોહન ઉગલેએ તેની છાતી પર હાથ મૂકીને અપશબ્દો કહ્યા હતા એટલે તેણે મારપીટ કરી હતી.