રવિવારથી શ્રી સિદ્ધિવિનાયક મંદિરમાં નારિયેળ ને પ્રસાદ નહીં લઈ જવા દેવાય

10 May, 2025 01:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુદ્ધની સ્થિતિ અને આતંકવાદી હુમલાની શક્યતાથી મંદિરના સંચાલકોએ પ્રતિબંધ મૂક્યો

ભારતે ઑપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું એ માટે શ્રી સિદ્ધવિનાયક મંદિરમાં ગુરુવારે મંદિરમાં વિશેષ પૂજાનું આયોજન કરીને ગણપતિબાપ્પાનો આભાર માનવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ અને સંભવિત આતંકવાદી હુમલાની શક્યતાને ધ્યાનમાં રાખીને દાદર નજીકના પ્રભાદેવીમાં આવેલા ગણપતિબાપ્પાના વિખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના સંચાલકોએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. ગણપતિબાપ્પાનાં દર્શન કરવા આવનારા ભક્તો રવિવારથી મંદિરમાં નારિયેળ કે પ્રસાદ નહીં લઈ શકે.

શ્રી સિ‌દ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટના ચૅરમૅન અને શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય સદાનંદ સરવણકરે આ વિશે કહ્યું હતું કે ‘પોલીસ અને મહારાષ્ટ્ર સરકારે જાહેર કરેલી ઍડ્વાઇઝરી મુજબ અમે મંદિર અને ભક્તોની સિક્યૉરિટી માટે મંદિરમાં નારિયેળ અને પ્રસાદ લઈ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો બાપ્પાનાં દર્શન કરવા આવે છે એટલે તેમની પાસેનું દરેક નારિયેળ અને પ્રસાદ ચેક કરવામાં ઘણો સમય લાગે છે. બીજું, નારિયેળ જોખમી સાબિત થઈ શકે છે અને પ્રસાદમાં કોઈ ઝેર ભેળવીને ભક્તોને મુશ્કેલીમાં મૂકી શકે છે. ૨૦૦૬ અને ૨૦૦૭માં આતંકવાદીઓના હિટ લિસ્ટમાં સિદ્ધિવિનાયક મંદિરનો સમાવેશ હતો ત્યારે પણ સલામતી માટે આવી જ રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.’

siddhivinayak temple mumbai operation sindoor indian army terror attack Pahalgam Terror Attack maharashtra maharashtra news news mumbai news ind pak tension