નવાનક્કોર સિંદૂર પુલ પરની સપાટી આવી અસમથળ કેમ?

12 July, 2025 07:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫૪ વર્ષ જૂનો કર્નાક બ્રિજ નવા રૂપ અને નવા નામ સાથે શરૂ તો થઈ ગયો, પણ...

ગઈ કાલે સિંદૂર પુલ પરની સપાટી અસમથળ જોવા મળી હતી. તસવીર : આશિષ રાજે

સાઉથ મુંબઈના પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો બ્રિટિશકાલીન કર્નાક બ્રિજ નવા સ્ટ્રક્ચર અને નવા નામ સિંદૂર પુલ તરીકે ગુરુવારથી ખુલ્લો મૂકવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ૧૦ જુલાઈએ સવારે સિંદૂર ફ્લાયઓવરનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ બપોરે ૩ વાગ્યાથી વાહનો માટે ફ્લાયઓવર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જોકે સિંદૂર પુલનું ઉદ્ઘાટન ઊબડખાબડ રસ્તા સાથે થયું હતું. જે વાહનો પુલ પરથી પસાર થતાં હતાં એનાં ટાયરનાં નિશાન પણ રસ્તા પર ઊપસી આવતાં હતાં. રસ્તા પરની સપાટી પણ ઓપનિંગ પછીના થોડા કલાકો બાદ અનઇવન દેખાતી હતી.

પુલની ગુણવત્તા વિશે સ્પષ્ટતા કરતાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ‘વિવિધ સ્તરે પુલના ઇન્સ્પેક્શન માટે આ પુલ પરથી અનેક વાર પસાર થયો છું. આગલા દિવસે પણ ઇન્સ્પેક્શન કર્યું હતું. જો પુલ પર ખાડા હોત તો અમે એનું ઉદ્ઘાટન જ ન કર્યું હોત.’

આ ખાડા નથી એમ સમજાવતાં તેમણે ઉમેર્યું હતું કે ‘રોડ પરનું સ્તર મૅસ્ટિક ઍસ્ફાલ્ટથી બનાવવામાં આવ્યું છે જે ઉચ્ચ ગુણવત્તાવાળું મટીરિયલ છે. પેવરનો ઉપયોગ કરીને આસ્ફાલ્ટ પાથરવામાં આવ્યું છે એટલે જેમ-જેમ ટ્રાફિકની અવરજવર વધશે એમ આ સ્તર સેટ થશે અને રોડ સમથળ થઈ જશે. સાથે જ ફેરિંગ મટીરિયલને કારણે અત્યારે રોડ પર ટાયરનાં નિશાન પડે છે જે ચિંતાજનક નથી.’

મસ્જિદ બંદર રેલવે-સ્ટેશન નજીકથી શરૂ થતો સિંદૂર પુલ પી. ડીમેલો રોડને ક્રૉફર્ડ માર્કેટ, કાલબાદેવી અને મોહમ્મદ અલી રોડ જેવા વ્યાપારી વિસ્તારો સાથે જોડે છે. ૧૫૪ વર્ષ જૂનો આ બ્રિજ સમારકામ માટે ૨૦૨૨ના ઑગસ્ટ મહિનામાં તોડી પાડવામાં આવ્યો હતો. ૧૦ જૂને નવો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો હતો, જેનું ઉદ્ઘાટન વિલંબમાં પડ્યા બાદ આખરે ૧૦ જુલાઈએ કરવામાં આવ્યું હતું.

૧૮૬૮માં કર્નાક બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું હતું જે તત્કાલીન ગવર્નર જેમ્સ રિવેટ કર્નાકના નામ પરથી પાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને કર્નાક બ્રિજનું નામ બદલીને સિંદૂર પુલ કરવાનું સૂચન કર્યું હતું. નવું નામ બે મહિના પહેલાં પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની સામે ભારત સરકારે કરેલા ઑપરેશન સિંદૂરના નામ પરથી પ્રેરિત છે.

સિંદૂર ફ્લાયઓવર કુલ ૩૨૮ મીટર લંબાઈ ધરાવે છે. એમાંથી ૭૦ મીટર રેલવે પરિસરમાં છે અને ૨૩૦ મીટરનો અપ્રોચ રોડ છે, જેમાંથી ૧૩૦ મીટર ઈસ્ટ અને ૧૦૦ મીટર વેસ્ટમાં આવેલો છે. પુલના બાંધકામમાં સ્ટીલના બે ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક ગર્ડરનું વજન ૫૫૦ ટન છે.

devendra fadnavis south mumbai news mumbai mumbai news maharashtra maharashtra news brihanmumbai municipal corporation mumbai traffic