અમે કબૂતરોને ભૂખે મરવા તો નહીં જ દઈએ

09 July, 2025 07:14 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે ગોવાલિયા ટૅન્કમાં કબૂતરખાનાની બહાર ચણ ન મળવાને પગલે અનેક કબૂતરો કમોતે મૃત્યુ પામ્યાં એ પછી જીવદયાપ્રેમીઓએ આ નિર્ણય લીધો

ગોવાલિયા ટૅન્કમાં ગઈ કાલે રસ્તા પર જોવા મળેલાં મૃત કબૂતરો.

સાઉથ મુંબઈના ગોવાલિયા ટૅન્કમાં આવેલા કબૂતરખાનાને સોમવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરોએ ગ્રીન કપડું ઢાંકીને બંધ કરી દીધા પછી ગઈ કાલે ખોરાક શોધતાં આ કબૂતરખાનામાં આવેલાં કબૂતરો તેમને ખોરાક ન મળતાં તરફડી રહ્યાં હતાં. એટલું જ નહીં, આ કબૂતરો ખોરાક વગર અશક્ત બની જવાથી ઊડવા માટે અસમર્થ બની જતાં આ વિસ્તારમાંથી પસાર થતાં વાહનોની નીચે કચડાઈને મૃત્યુ પામ્યાં હતાં. આ દૃશ્ય જોઈને સ્થાનિક જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. તેમણે ગઈ કાલે નિર્ણય લીધો હતો કે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ અમારી પર જે કોઈ દંડાત્મક કાર્યવાહી કરવી હોય એ કરે, પણ અમે આજથી આ કબૂતરોને ચણ આપીને જ રહીશું. અમે કોઈ સંજોગોમાં તેમને કમોતે મરવા નહીં દઈએ.

આ બાબતની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે અમારા વિસ્તારના કબૂતરખાનાને બંધ કરવામાં આવ્યું હતું. એની સાથે આ વિસ્તારમાં ચણ અને જારનો બિઝનેસ કરી રહેલા ફેરિયાઓને બિઝનેસ બંધ કરવાની મહાનગરપાલિકાએ અને પોલીસે ધમકી આપી હતી જેને પરિણામે ગઈ કાલે સવારે વર્ષોથી અમારા કબૂતરખાનામાં ચણવા આવતાં કબૂતરોને ગઈ કાલે ચણ ન મળતાં તેઓ કબૂતરખાનાની બહારના ભાગમાં હતાશ થઈને ઊડી રહ્યાં હતાં. તેમને ચણ ન મળતાં એમાંથી અમુક કબૂતરો અશક્ત બનીને ઊડવા અસમર્થ બની ગયાં હતાં. આ કબૂતરો જમીન તરફ જ ઊડતાં-ઊડતાં ત્યાંથી પસાર થઈ રહેલાં વાહનોની સાથે અથડાઈને કચડાઈ મર્યાં હતાં.’

વર્ષોથી જીવદયા કરી રહેલાં જસ્ટ સ્માઇલ ચૅરિટેબલ ટ્રસ્ટનાં ફાઉન્ડર સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક જ દિવસ ચણ ન મળતાં કબૂતરો મરી કેમ શકે? એવો કોઈને સવાલ થઈ શકે. જોકે અમારો અભ્યાસ કહે છે કે કબૂતરો પાણી વગર લગભગ ૪૮ કલાક જીવી શકે છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે તેમને નિયમિત પાણીની જરૂર પડે છે. કબૂતરો ખોરાક વગર લગભગ એક અઠવાડિયા સુધી જીવી શકે છે, પરંતુ આ તેમના સ્વાસ્થ્ય અને પર્યાવરણીય પરિસ્થિતિઓના આધારે બદલાઈ શકે છે. ગઈ કાલના ગોવાલિયા ટૅન્કના બનાવમાં કોઈ અતિશયોક્તિ નથી. આ કબૂતરોને સમયસર ખોરાક ન મળવાથી તેઓ અશક્ત થઈ ગયાં હતાં અને આખરે કમોતે મૃત્યુ પામ્યાં હતાં જે ખરેખર એક દુખજનક બનાવ છે. આ જોઈને અમારા જીવ કકળી રહ્યા છે. આથી અમે નિર્ણય લીધો છે કે અમે  મહાનગરપાલિકાને દંડ ચૂકવીને પણ કબૂતરોને આ રીતે કમોતે મરવા તો નહીં જ દઈએ. માનવીની જેમ તેને પણ આ સૃષ્ટિ પર જીવવાનો સંપૂર્ણ બંધારણીય અધિકારી છે જેનું સરકારી અધિકારીઓ ઉલ્લંઘન કરી રહ્યા છે જેની સામે અમે કોર્ટમાં લડત લડવાની પૂરી તૈયારી કરી લીધી છે.’

જૈન અગ્રણી અતુલ શાહે આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘મુંબઈમાં ટોળાંઓએ કબૂતરને દાણા નાખવાનું ૭ જુલાઈથી દાદાગીરીથી બંધ કરાવ્યું છે. ઠેર-ઠેર હજારો કબૂતરો કબૂતરખાનાંઓની આસપાસ સવારથી દાણાપાણીની રાહ જોઈને અંતે ભૂખ્યાં-તરસ્યાં મરી રહ્યાં છે. દાણાપાણીની શોધમાં કબૂતરો રસ્તા ઉપર આવી જાય છે. ભૂખ્યાં-તરસ્યાં, ઊડવાની શક્તિના અભાવે રસ્તા ઉપર પડી જાય છે, વાહનો નીચે કચડાઈ જાય છે. આવતી કાલ સુધીમાં કદાચ આ સંખ્યા લાખોમાં થશે. આ કબૂતરોને દાણાપાણી આપવાનું બંધ કરાવનાર કોઈ મ્યુનિસિપાલિટી નથી, કોઈ જ ડિપાર્ટમેન્ટનો સર્ક્યુલર નથી, કોઈ નોટિફિકેશન નથી, કોઈ સરકારી ઑર્ડર નથી; માત્ર ને માત્ર દાદાગીરી જ છે. આવી રીતે શહેરમાં જો લાખો પક્ષીઓ એકસામટાં મરશે તો રોગચાળો ફાટી નીકળવાનો પણ ભય રહે છે.’

south mumbai maharashtra navnirman sena brihanmumbai municipal corporation news dadar mumbai news mumbai maharashtra maharashtra news environment