મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી વધુ લંબાઈ

29 January, 2025 09:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખી, હવે પચીસમી ફેબ્રુઆરીએ હિયરિંગ

સુપ્રીમ કોર્ટની ફાઈલ તસવીર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નવેમ્બર મહિનામાં પૂરી થયા બાદ રાજ્યમાં નવી સરકારની સ્થાપના કરવામાં આવી અને પ્રધાનમંડળની સ્થાપના પણ થઈ ગઈ એટલે ટૂંક સમયમાં ચાર વર્ષથી લટકી પડેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી. વહેલી તકે ચૂંટણી યોજવા સંબંધે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની ગઈ કાલે સુનાવણી હાથ ધરાવાની હતી. જોકે સર્વોચ્ચ અદાલતે આ વિશે કોઈ નિર્ણય નહોતો લીધો અને આગામી સુનાવણી પચીસમી ફેબ્રુઆરીએ હાથ ધરવાનું કહ્યું હતું. આથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી ફરી લંબાઈ ગઈ છે.

સુપ્રીમ કોર્ટે ચૂંટણી યોજવાની ના નથી પાડી, પણ અધર બૅકવર્ડ ક્લાસ (OBC)ને આરક્ષણ આપવાનો મુદ્દો રઝળી પડ્યો છે એટલે રાજ્ય સરકારે આ બાબતે સુપ્રીમ કોર્ટને નિર્ણય લેવા માટેની વિનંતી કરી છે. ઉપરાંત ચાર વર્ષથી સતત પાછી ઠેલવામાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી તાત્કાલિક યોજવાનો નિર્દેશ કરવા માટેની અરજી પણ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈ અને થાણે સહિત રાજ્યભરની ૨૯ મહાનગરપાલિકા, ૨૫૭ નગરપાલિકા, ૨૬ જિલ્લા પરિષદ અને ૨૮૯ ગ્રામ પંચાયત સમિતિની ચૂંટણી યોજાવાની બાકી છે.

maharashtra assembly election 2024 supreme court maharashtra news maharashtra news mumbai assembly elections mumbai news