21 July, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ ઠાકરે
મરાઠી ભાષાનો મુદ્દો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. મરાઠી ન બોલી શકતા હિન્દીભાષી લોકો વિરુદ્ધ હિંસા ભડકાવવા બદલ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરે અને તેમના કાર્યકરો વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફૉર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવે એવી માગણી સાથે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે. ઍડ્વોકેટ ઘનશ્યામ ઉપાધ્યાય દ્વારા આ શુક્રવારે અરજી દાખલ કરવામાં આવી છે તેમ જ તેમણે અરજીની સુનાવણી તાકીદે થાય એવી વિનંતી પણ કરી છે.
અગાઉ ભાષાના મુદ્દે ખુલ્લેઆમ કાનપટ્ટી નીચે બજાવવાની રાજ ઠાકરેએ જાહેરમાં કરેલી વાતને ટાંકીને અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતનું કૃત્ય દેશની એકતા માટે જોખમી છે. રાજ ઠાકરે વિરુદ્ધ કાર્યવાહી કરવા બાબતે ઘનશ્યામ ઉપાધ્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો હતો. ઉપરાંત પોલીસ-કમિશનરને પણ આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમના દ્વારા યોગ્ય પગલાં ન લેવાતાં ઘનશ્યામ ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. સાથે જ ઇલેક્શન કમિશનને પણ રાજકીય પક્ષો પોતાના હિત માટે લોકોમાં દુશ્મનાવટ ઊભી ન કરી શકે એવાં કડક પગલાં લેવાની અરજી કરી છે.