01 July, 2025 07:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ અને રાજ ઠાકરે
પહેલા ધોરણથી થ્રી-લૅન્ગ્વેજ પૉલિસી અમલમાં મૂકવાના મામલે મહાયુતિની સરકારે પીછેહઠ કરતાં એને મરાઠી માણૂસની જીત દર્શાવીને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એકસાથે એની ઉજવણીરૂપે પાંચમી જુલાઈએ આયોજિત કરાયેલા વિજયમેળામાં સામેલ થવાના છે.
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT) અને મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના સેકન્ડ કૅડરના નેતાઓ વચ્ચે બેઠકોનો દોર ગઈ કાલે દિવસભર ચાલ્યો હતો. MNSના સંદીપ દેશપાંડેએ શિવસેનાના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ સાથે બેઠક કરી હતી જ્યારે એ પછી શિવસેનાના સંજય રાઉત અને MNSના બાળા નાંદગાવકર વચ્ચે પણ બેઠક યોજાઈ હતી જેમાં પાંચમી જુલાઈની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. વરલીના NSCI ડોમમાં સવારના ભાગમાં આ વિજયી મેળાનું આયોજન કરવાનું મોટા ભાગે નક્કી થઈ રહ્યું છે. કોઈ પણ પક્ષ કે કોઈ પણ પક્ષના ઝંડાની આગેવાની નહીં, પણ માત્ર મરાઠી એજન્ડાને લઈને આયોજિત થનારા આ મેળાવડાને નિમિત્ત બનાવી બન્ને ઠાકરે ભાઈઓ એકસાથે એક મંચ પર આવે એ પણ વિરલ ઘટના કહેવાશે. ૧૮ વર્ષ પછી આવો સંયોગ જોવા મળશે એવી ચર્ચાએ મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે.