04 July, 2025 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગ્ન કરતાં પહેલાં થૅલેસેમિયાની ટેસ્ટ ફરજિયાત કરીને આ જીવલેણ રોગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે એમ પબ્લિક હેલ્થ મિનિસ્ટર મેઘના બોરડીકરે જણાવ્યું હતું. વિધાનસભાના સત્રમાં પ્રશ્નોત્તરી દરમ્યાન આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અત્યારે મહારાષ્ટ્રમાં થૅલેસેમિયાના ૧૨,૮૬૦ દરદીઓ છે.
થૅલેસેમિયા જિનેટિક બ્લડ ડિસઑર્ડર છે જેમાં દરદીનું શરીર લાલ રક્તકણો બનાવી શકતું નથી તેથી શરીરમાં હીમોગ્લોબિન બનતું નથી. લગ્ન કરવા માગતાં બન્ને પાત્રો અગાઉથી જ આ ટેસ્ટ કરાવે તો તેમના આવનાર બાળકને થૅલેસેમિયાના રોગનો ભોગ બનતું અટકાવી શકાય. મહારાષ્ટ્રમાંથી થૅલેસેમિયા નાબૂદ કરવાનું મિશન પરભણી જિલ્લાથી શરૂ કરવામાં આવશે તેમ જ દરેક જિલ્લામાં થૅલેસેમિયા સારવાર કેન્દ્રો ઊભાં કરવામાં આવશે એમ મેઘના બોરડીકરે જણાવ્યું હતું.