દહાણુમાં દર્શન કરવા ગયેલા સુરતના યુવાને જીવ ગુમાવ્યો

14 April, 2025 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાલક્ષ્મી માતાના ડુંગર પર ધજાનાં દર્શન કર્યા બાદ પાછા ફરતી વખતે પગ લપસ્યો અને ખીણમાં ગબડી પડ્યો મેરિક કાચવાલા

મહાલક્ષ્મી માતાની ધજાનાં દર્શન કરીને પાછા આવી રહેલા સુરતના મેરિક કાચવાલાનું શિખર પરથી પટકાતાં મોત થયું હતું.

દહાણુની મહાલક્ષ્મી માતાનું મંદિર હાઇવે નજીક છે પણ તેમનું મૂળ મંદિર ત્યાંથી દૂર આવેલા ડુંગર પર છે. દર વર્ષે ચૈત્રી પૂનમે મધરાતે મંદિરના પૂજારી એક હાથમાં મશાલ અને બીજા હાથમાં માતાજીની ધજા લઈને સડસડાટ ડુંગર ચડીને શિખરની ટોચે જઈ ધજા ચડાવે છે. રવિવારે મધરાતે ધજા ચડાવવામાં આવ્યા બાદ ગઈ કાલે સવારે એનાં દર્શને ગયેલા સુરતના એક ગ્રુપનો યુવક શિખર પરથી નીચે ઊતરતી વખતે પગ લપસતાં નીચે પટકાયો હતો અને તેનું મૃત્યુ થયું હતું. દહાણુ પોલીસે અકસ્માત્ મૃત્યુની નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મૃત્યુ પામેલા આ યુવકના અકસ્માતની વિગતો આપતાં દહાણુ પોલીસ-સ્ટેશનના કર્મચારી ગણેશ ગાવીતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધજાનાં દર્શન માટે સુરતના યુવાનોના ૪-૫ જણના ગ્રુપે વહેલી સવારે ઉપર ચડવાનું શરૂ કર્યું હતું. તેમણે ૭ વાગ્યા પહેલાં દર્શન કરી લીધાં હતાં અને એ પછી ઊતરવાનું શરૂ કર્યું હતું ત્યારે સવારે ૭ વાગ્યે આ બનાવ બન્યો હતો. સુરતના મગદલ્લા વિસ્તારમાં રહેતો ૩૮ વર્ષનો મેરિક કાચવાલા તેના મોટા ભાઈ મયૂર અને મિત્રો સાથે સુરતથી મહાલક્ષ્મી માતાનાં દર્શને આવ્યો હતો. તે પરણેલો છે અને સુરતમાં ઇલેક્ટ્રિક ફિટિંગ્સનું કામ કરે છે. ઊતરતી વખતે મેરિકનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો. અમને જાણ કરવામાં આવતાં અમારા કર્મચારીઓ અને હોમગાર્ડનો સ્ટાફ તરત દોડ્યા હતા. સીધા શિખર પરથી પટકાયેલા મેરિકનું ગંભીર ઈજા થતાં સ્પૉટ પર જ મૃત્યુ થયું હતું. તેનો મૃતદેહ શોધવામાં ઘણો સમય લાગ્યો હતો. એ પછી તેનું હેવી બૉડી નીચે લાવવામાં પણ ખાસ્સો સમય લાગ્યો હતો. અમે અકસ્માત્ મૃત્યુની નોંધ કરીને કાર્યવાહી કરી હતી.’

surat dahanu mahalaxmi news mumbai mumbai news maharashtra maharashtra news