20 May, 2025 09:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રીલ બનાવતી વખતે મૃત્યુ પામેલા ગોવંડીના બે યુવાનો.
મોબાઇલથી રીલ બનાવવી એ શોખમાંથી એક પૅશન બની ગયું છે. મોબાઇલથી રીલ બનાવતી વખતે લોકો ભાન ભૂલી જતા હોય છે. આવી જ એક ઘટનામાં કર્જત તાલુકામાં આવેલા ભિવપુરી તાતા ડૅમમાં રવિવારે સવારે ગોવંડીથી સ્વિમિંગની રીલ બનાવવા આવેલા ૨૪-૨૪ વર્ષના ઇબ્રાહિમ અઝીઝ ખાન અને ખલીલ અહમદ શેખ તણાઈ જતાં તેમનું મૃત્યુ થયું હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે રાયગડની નેરલ પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવા માટે મૃત્યુ પામેલા બન્ને મિત્રોએ ભયંકર જોખમ લીધું હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે.
રાયગડના નેરલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ધવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગોવંડીમાં રહેતા ઇબ્રાહિમ અને ખલીલ રવિવારે વહેલી સવારે હિતેશ કાંડુ સાથે ભિવપુરી તાતા ડૅમમાં સ્વિમિંગ વિડિયો તૈયાર કરવા આવ્યા હતા. એ વિસ્તારમાં જવા માટે મનાઈ હોવા છતાં ઇબ્રાહિમ અને ખલીલ ડૅમમાં સ્વિમિંગ માટે ઊતર્યા હતા ત્યારે હિતેશ બહાર રહી વિડિયો બનાવી રહ્યો હતો. વિડિયોમાં રીલ તૈયાર કરી વધુ લોકો જુએ એ માટે ઇબ્રાહિમ અને ખલીલ ડૅમની ઊંડાઈમાં ગયા હતા ત્યારે બન્નેનું બૅલૅન્સ જતાં તેઓ પાણીમાં તણાઈ ગયા હતા. એ સમયે વિડિયો તૈયાર કરી રહેલા યુવાનને તરતાં ન આવડતું હોવાથી તેણે મદદ માટે આજુબાજુમાં બૂમો પાડી હતી. જોકે આસપાસમાં કોઈ ન દેખાતાં તેણે તાત્કાલિક ઘટનાની જાણ પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરી હતી. તાત્કાલિક તરવૈયાઓ સાથે અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આશરે ત્રણ કલાક ડૅમમાં સર્ચ ઑપરેશન ચલાવ્યા બાદ બન્નેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ મામલે અમે આકસ્મિક મૃત્યુની નોંધ કરી છે.’
યોગ્ય સેફ્ટી સાથે તરવા ઊતરવા પોલીસની અપીલ
રાયગડ તાલુકામાં આઠેક ડૅમ આવેલા હોવાથી ઉનાળાની વૅકેશન ઉપરાંત આગળ ચોમાસામાં નાગરિકો પર્યટન સ્થળોની મુલાકાત લેવા આવતા હોય છે. જોકે અમુક વખતે યોગ્ય કાળજીના અભાવે કમનસીબ ઘટનાઓ બનતી હોય છે જેમાં નાગરિકોનાં મૃત્યુ થતાં હોય છે. આવી પરિસ્થિતિમાં નેરલ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શિવાજી ધવલેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોમાસામાં આવી ઘટનામાં વધારો થતો જોવા મળે છે. ગયા વર્ષે ચોમાસા દરમ્યાન નવથી વધારે લોકોનાં ડૅમમાં ડૂબી જવાથી મૃત્યુ થયાં હતાં. આવી ઘટના ન બને એ માટે મનાઈ ફરમાવેલા વિસ્તારમાં જવું નહીં. જો કોઈ આવા વિસ્તારમાં જોવા મળશે તો તેના પર કાર્યવાહી કરવાના કડક આદેશ આપવામાં આવ્યા છે. એ ઉપરાંત જે વિસ્તારમાં જવા માટેની પરવાનગી છે ત્યાં યોગ્ય કાળજી સાથે જ સ્વિમિંગ માટે જવું.’