14 February, 2025 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે થાણેમાં એકનાથ શિંદેની હાજરીમાં રાજન સાળવીએ શિવસેનામાં પ્રવેશ કર્યો હતો. (તસવીર : અનિલ શિંદે)
દિલ્હીમાં શરદ પવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને મહાદજી શિંદે રાષ્ટ્ર ગૌરવ પુરસ્કાર આપ્યો હોવાથી નારાજ થઈ ગયેલી ઉદ્ધવસેનાની તકલીફો વધી રહી હોય એવું લાગી રહ્યું છે.
એ કાર્યક્રમમાં શરદ પવારની હાજરીથી રાતી-પીળી થઈ ગયેલી ઉદ્ધવસેનાએ હવે તેમની જ પાર્ટીના ઈશાન મુંબઈના સંસદસભ્ય સંજય દીના પાટીલ, ભાઉસાહેબ વાકચૌરે, સંજય જાધવ અને નાગેશ પાટીલ આષ્ટીકર પાસે પણ જવાબ માગવો પડશે, કારણ કે સંજય પાટીલ પણ એકનાથ શિંદેને સન્માનવાના કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તેમ જ બાકીના ત્રણ સંસદસભ્યો કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવે તેમના દિલ્હીના ઘરે રાખેલા સ્નેહભોજનમાં હાજર રહ્યા હતા એને લીધે હવે આ ચારેય ઉદ્ધવ ઠાકરેનો હાથ છોડીને જશે એવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આટલું ઓછું હોય એમ કોંકણમાં ઉદ્ધવસેનાનો એક મહત્ત્વનો ચહેરો ગણાતા રાજન સાળવીએ પણ ગઈ કાલે એકનાથ શિંદેની શિવસેનામાં પોતાના કાર્યકરો સાથે પ્રવેશ કર્યો હતો. આ રીતે એક પછી એક નેતાઓ ઉદ્ધવ ઠાકરેનો સાથ છોડીને જઈ રહ્યા છે. એ બાબતે આદિત્ય ઠાકરેને પૂછવામાં આવતાં તેમણે કહ્યું હતું કે ‘અમને એવા એક પણ નેતા નથી જોઈતા જેઓ કોઈના પણ દબાણ કે અંગત સ્વાર્થ ખાતર પાર્ટી છોડીને જતા હોય. પક્ષના નિષ્ઠાવાન નેતા અને કાર્યકર ક્યારેય પાર્ટી છોડીને નહીં જાય.’
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સાથે આદિત્ય ઠાકરે.
બુધવારે દિલ્હી પહોંચેલા આદિત્ય ઠાકરે એ જ રાતે રાહુલ ગાંધીને મળ્યા બાદ ગઈ કાલે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને મળ્યા હતા, પણ તેમણે શરદ પવારને મળવાનું ટાળ્યું હતું. પત્રકારોએ એનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે અમે મુંબઈમાં મળતા રહીએ છીએ. જોકે નારાજગી દર્શાવવા આદિત્ય ઠાકરે મરાઠા નેતાને મળવા નહોતા ગયા.
મહા વિકાસ આઘાડીના ભવિષ્ય વિશે આદિત્ય ઠાકરેને પૂછવામાં આવતાં તેમણે આ પ્રશ્નનો સીધો જવાબ આપવાને બદલે કહ્યું હતું કે પહેલાં મહાનગરપાલિકાનાં ઇલેક્શન તો જાહેર થવા દો. એ સિવાય તેમણે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું. રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સાથેની મુલાકાત વિશે તેમણે કહ્યું હતું કે ‘આ એક શિષ્ટાચાર મુલાકાત હતી. અમે ચૂંટણીમાં ઇલેક્શન કમિશનના દુરુપયોગનો સામનો કરવાની તેમ જ તેમને ઉઘાડા પાડવા વિશે ચર્ચા કરી હતી.’
બીજી બાજુ એકનાથ શિંદે શરદ પવાર સાથે સંબંધ સુધારી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP) રાજ ઠાકરે સાથે.