21 June, 2025 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉદ્ધવ ઠાકરે (તસવીર : અતુલ કાંબળે)
શિવસેનાના વર્ધાપન દિન નિમિત્તે ગઈ કાલે ષણ્મુખાનંદ હૉલમાં શિવસૈનિકોને સંબોધતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘રાજ્યમાંથી ઠાકરે-બ્રૅન્ડને ખતમ કરવાના પ્રયાસ થઈ રહ્યા છે, પણ એ ખતમ નહીં થાય. ઠાકરેને ખતમ કરનારાઓનું નામોનિશાન નહીં રહેવા દઈએ. કમ ઑન કિલ મી.
નાના પાટેકરની ફિલ્મ ‘પ્રહાર’નો એ ડાયલૉગ તેમણે માર્યો હતો અને એકનાથ શિંદે અને ભારતીય જનતા પાર્ટીને જાહેરમાં ચૅલેન્જ આપી હતી. મુંબઈ તેમના માલિકને આપવા માટે તેઓ મરાઠી માણસને એક નથી થવા દેતા, પણ રાજ્યના મનમાં જ છે એ જ હું કરીશ એમ કહી ઉદ્ધવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના સાથે યુતિ કરવાનો અણસાર પણ આપી દીધો હતો.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે ‘આટલા માણસો ચોર્યા, પક્ષ ચોર્યા, પિતા પણ ચોર્યા એમ છતાં ઉદ્ધવ ઠાકરે કેમ ખતમ નથી થતો એવો સવાલ કેટલાક લોકોને થતો હશે, પણ શિવસૈનિકોએ લોહીનું પાણી કરીને આ શિવસેનાને ઉછેરી છે. પૈસા ફેંકીને નહીં, પણ મહેનત કરીને આ સંપત્તિ ઊભી કરી છે. બીજી બાજુ ચોરબજાર ભરાયું છે. ૧૯૯૨-૯૩માં જ્યારે રમખાણો થયાં હતાં ત્યારે દેશદ્રોહની સામે તમે બધા શિવસૈનિકો લડ્યા હતા અને મુંબઈને બચાવ્યું હતું. ત્યારે એક વ્યક્તિ બાળાસાહેબ પાસે આવી હતી અને કહ્યું હતું કે બસ હવે બહુ થયું. હવે એ કોણ છે એ હું નહીં કહું. એ વ્યક્તિ આજે હયાત છે. બાળાસાહેબે તેને કહ્યું, અરે એક પિક્ચર મેં જોયું ‘પ્રહાર’ નામનું. એમાં નાના પાટેકર ગુંડાઓ સામે ઊભો રહે છે અને કહે છે ‘કમ ઑન કિલ મી’. એ જ રીતે અમે ગદ્દારોની સામે ઊભા છીએ અને કહીએ છીએ, કમ ઑન કિલ મી. જો હિંમત હોય તો હુમલો કરજો અને જુદો હુમલો કરવાના હો તો એક વાત ચોક્કસ કરજો સાથે ઍમ્બ્યુલન્સ લઈને આવજો. અમિતાભ બચ્ચનની પેલી ફિલ્મ છેને જેમાં તે ઍમ્બ્યુલન્સ લઈને જાય છે. એમ સાથે ઍમ્બ્યુલન્સ લઈને આવજો, કારણ કે આવશો ત્યારે તો સીધા આવશો પણ જશો ત્યારે આડા થઈને જશો.’