04 May, 2025 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝાડ પર લટકીને સુસાઇડ કરનારો સૌરભ ગાયસમુદ્રે.
ઉલ્હાસનગરમાં આવેલી પ્રેમનગરની ટેકરી પર પાણીની ટાંકીની બાજુના ઝાડ પર ગઈ કાલે સવારે એક યુવકનો ગળે ફાંસો ખાધેલો મૃતદેહ જોવા મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં હિલલાઇન પોલીસ-સ્ટેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચીને યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો અને પોસ્ટમૉર્ટમ માટે હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
હિલલાઇન પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અનિલ જગતાપે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉલ્હાસનગરના કૅમ્પ પાંચના પ્રેમનગરના ઝાડ પર સવારના સૌરભ ગાયસમુદ્રે નામના બાવીસ વર્ષના યુવકનો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો. જીવ ગુમાવનારા સૌરભ સામે હત્યાનો પ્રયાસ સહિત બે કેસ નોંધાયેલા છે. પ્રાથમિક તપાસમાં જણાયું છે કે સૌરભ એક યુવતીને એકતરફી પ્રેમ કરતો હતો. યુવતીએ તેના પ્રેમનો સ્વીકાર ન કરતાં સૌરભે યુવતીને વિડિયો-કૉલ કરીને પ્રેમ નહીં સ્વીકારે તો આત્મહત્યા કરવાનું કહ્યું. યુવતીએ જે કરવું હોય તે કર એવું સૌરભને કહ્યું હતું. આથી બાદમાં પૅન્ટના પટ્ટાનો ગાળિયો બનાવીને સૌરભ ઝાડ પર લટકી ગયો હોવાનું જાણવા મળ્યું છે. અમે જોકે આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.’