વસઈ-વિરાર સતત ૪ દિવસથી પાણીમાં

08 July, 2026 07:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નથી ઇલેક્ટ્રિસિટી, નથી પીવાનું પાણી; લોકોની હાલાકીનો પાર નહીં, ટ્રેનો ઠપ

નાલાસોપારામાં ભરાયેલા પાણીમાં લોકોએ વૉટરપાર્કમાં મજા માણતા હોય એ રીતે એન્જૉય કર્યું હતું.

મંગળવારે મુંબઈ શહેર અને ઉપનગરોમાં વરસાદે હળવો હાથ રાખ્યો, પરંતુ પાલઘર જિલ્લામાં ખાસ કરીને વસઈ અને વિરારને રૌદ્ર સ્વરૂપ દાખવ્યું હતું. સતત જોરદાર વરસાદના કારણે વસઈ અને વિરારના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા અને અેમાં પણ ઇલેક્ટ્રિસિટી ન હોવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઇલેક્ટ્રિસિટી ન હોવાથી પાણીની મોટર ચાલુ ન કરી શકાતી હોવાથી લોકોને પીવાના પાણીનાં પણ ફાંફાં થયાં હતાં. એમાં પણ વસઈના મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ (MSEB)ના સ્વિચિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જવાથી મોટી દુર્ઘટના થવાનો ભય પણ ઊભો થયો હતો. સબસ્ટેશનોમાં પણ પાણી ભરાઈ જતાં કોઈ દુર્ઘટના ન બને એટલા માટે ઇલેક્ટ્રિસિટી બંધ રાખવામાં આવતાં લગભગ ૪૦ કલાકથી વધુ સમય માટે વસઈ-વિરારવાસીઓ વીજળીવિહોણા રહ્યા હતા. સોમવારે સવારે ૬ વાગ્યાથી ઇલેક્ટ્રિસિટી બંધ રાખવામાં આવી હતી જે મંગળવારે રાત સુધી ફરી શરૂ કરાઈ નહોતી. 

એકધારા વરસાદના કારણે પૂરનાં પાણી ઓસર્યાં ન હોવાના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા. અધૂરામાં પૂરું મોબાઇલ ટાવર્સને પણ વરસાદના કારણે અસર થઈ હોવાથી ઇન્ટરનેટ સેવા અને મોબાઇલ નેટવર્ક પણ ઠપ થઈ ગયા હોવાના કારણે વસઈ અને વિરારવાસીઓ સંપર્કવિહોણા થઈ ગયા હતા.

આ સિવાય અહીં ટ્રેન-સર્વિસ પણ સંપૂર્ણપણે બંધ કરી દેવાઈ હતી અને પ્રશાસન અને પોલીસ દ્વારા રેલવે-સ્ટેશન પર આવતા લોકોને પાછા મોકલાવાતા હતા, જ્યારે પાણી ભરાયાં હોવાથી રસ્તાથી પ્રવાસ કરવો પણ શક્ય ન હોવાથી લોકો એક જ જગ્યાએ અટવાઈ ગયા હતા.

mumbai news mumbai monsoon news mumbai monsoon mumbai rains maharashtra news maharashtra vasai vasai virar city municipal corporation nalasopara