✕

વિરાર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ કવચની ટ્રાયલ સફળ

28 November, 2026 09:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેસ્ટર્ન રેલવેએ ૬ લાઇન પર ઑટોમૅટિક સ્પીડ કન્ટ્રોલ, સિગ્નલ જમ્પિ‍ંગ અટકાવવા અને ઇમર્જન્સી SOS જેવાં સુરક્ષા-ફીચર્સનું પરીક્ષણ કર્યું.

ટ્રેનના લોકોમોટિવ ટ્રાયલ માટે ઉપયોગમાં લેવાયેલું કવચ સિગ્નલિંગ ઇન્ટરફેસ

મુંબઈના સબર્બન રેલવે નેટવર્ક પર અદ્યતન ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમ લાગુ કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું ભરતાં વેસ્ટર્ન રેલવેએ ૫૦ કિલોમીટરના વિરાર-મુંબઈ સેન્ટ્રલ સેક્શન પર ઇન્ડિયાની સ્વદેશી ઑટોમૅટિક ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ કવચની લોકોમોટિવ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ૨૦-૨૧ નવેમ્બર અને ૨૧-૨૨ નવેમ્બરની રાત્રે હાથ ધરાયેલી આ ટ્રાયલમાં ફાસ્ટ અને સ્લો કૉરિડોર તેમ જ હાર્બર લાઇન સહિત તમામ ૬ લાઇનને આવરી લેવામાં આવી હતી. આ પરીક્ષણો બાંદરા સેક્શનને બાદ કરતાં વિરાર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કરવામાં આવ્યાં હતાં. ત્યાર બાદના ફીલ્ડ ચેકિંગ દરમ્યાન નાની ટેક્નિકલ ખામીઓ પણ દૂર કરવામાં આવી હતી.

આ ટ્રાયલમાં અપ અને ડાઉન થ્રૂ લાઇન, પાંચમી અને છઠ્ઠી લાઇન તથા અપ અને ડાઉન હાર્બર લાઇન એમ કુલ ૬ લાઇનનો સમાવેશ થતો હતો. રેલવે-અધિકારીઓએ સિગ્નલ પાસિંગ ઍટ ડેન્જર (SPAD), ઓવરસ્પીડિંગ અને પાછળથી થતી ટક્કર રોકવા માટે તૈયાર કરાયેલાં વિવિધ સુરક્ષા ફીચર્સનું પરીક્ષણ કર્યું હતું. વેસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર બે રાતની આ કવાયત દરમ્યાન તમામ નિર્ધારિત ટેસ્ટ-કેસ સફળતાપૂર્વક પૂર્ણ થયા હતા.

આ પરીક્ષણોમાં કૅબ સિગ્નલિંગનો સમાવેશ થતો હતો જેમાં તમામ ૬ લાઇન પર ડ્રાઇવર મશીન ઇન્ટરફેસ (DMI) પર સિગ્નલનાં પાસાં યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યાં હતાં. પર્મનન્ટ સ્પીડ રિસ્ટ્રિક્શન (PSR)ની ચકાસણી પણ સફળ રહી હતી. ગોરેગામ, અંધેરી અને બોરીવલી ખાતે લૂપ લાઇન પર ૩૦ કિલોમીટર પ્રતિ કલાક અને ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કવચની સ્પીડ કન્ટ્રોલ મેકૅનિઝમનું પરીક્ષણ કરાયું હતું. અંધેરી અને ગોરેગામ ખાતે કૉલિંગ-ઑન સિગ્નલ્સ, જ્યારે બોરીવલી અને અંધેરી ખાતે સ્ટેશન SOS ફંક્શનૅલિટીની ચકાસણી કરવામાં આવી હતી.

mumbai virar mumbai central mumbai railways indian railways western railway mumbai western suburbs news mumbai news