મુંબઈમાં કોરોનાની જેમ ડેલ્ટા પ્લસે પણ પહેલો ભોગ ગુજરાતીનો લીધો

14 August, 2021 08:29 AM IST  |  Mumbai | Viral Shah

ગયા વર્ષના માર્ચ મહિનામાં અને અત્યારે બનેલા બન્ને કેસ ઘાટકોપરના જ હતા એ એક કરુણ યોગાનુયોગ છે

પ્રતીકાત્મક તસવીર

ગયા વર્ષના માર્ચ મહિનામાં મુંબઈમાં કોરાનાને લીધે પહેલા દરદીનું મૃત્યુ ઘાટકોપરમાં થયું હતું અને તે વ્યક્તિ ગુજરાતી પરિવારમાંથી હતી. હવે આખું વિશ્વ જેનાથી ડરી રહ્યું છે એ કોરોનાના ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લીધે મુંબઈમાં જે પહેલું મૃત્યુ થયું છે એ પણ ઘાટકોપરના ગુજરાતી પરિવારમાં થયું હોવાનો યોગાનુયોગ થયો છે. ૬૩ વર્ષનાં ગૃહિણીનું વૅક્સિનના બન્ને ડોઝ લીધા હોવા છતાં ૨૭ જુલાઈએ હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. જોકે સરકારને ૧૧ ઑગસ્ટે તેમના સૅમ્પલનો જિનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે આ ગુજરાતી ગૃહિણીનું મૃત્યુ ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લીધે થયું છે. ત્યાર બાદ તેમના સંપર્કમાં આવેલા લોકોના પણ જિનોમ સિકવન્સિંગના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. એમાંથી બે જણ પૉઝિટિવ આવ્યા છે, જ્યારે બાકીના બે જણના રિપોર્ટ હજી આવવાના બાકી છે.

ઘાટકોપરનાં આ મહિલાનો ગયા મહિનાની ૨૧ તારીખે કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો ત્યારે તેમને ડ્રાય કફ, ટેસ્ટ જતો રહેવો, શરીર તૂટવું અને માથું દુખવું જેવાં લક્ષણો હતાં. હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન તેમને ઑક્સિજનનો સપોર્ટ અને રેમડેસિવીર ઇન્જેક્શન પણ આપવામાં આવ્યાં હોવાનું સુધરાઈના અધિકારીએ કહ્યું હતું. તેમણે ક્યાંય ટ્રાવેલ નહોતું કર્યું કે આ પહેલાં તેઓ કોરોનાગ્રસ્ત પણ નહોતાં થયાં. જોકે આ મહિલાને ફેફસાંની સાથે બીજી બીમારીઓ હોવાનું સુધરાઈના અધિકારીએ જણાવ્યું હતું. આ બાબતે ઘાટકોપરમાં રહેતા તેમના પતિનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે મારે આ બાબતે કંઈ વાત નથી કરવી. ઘરમાં બીજા લોકો જે પૉઝિટિવ આવ્યા હતા તેમને કેમ છે? એવું પૂછતાં તેમણે કહ્યું હતું કે બધાની તબિયત સારી છે.

આ સંદર્ભમાં ઍડિશનલ મ્યુનિસિપલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડેલ્ટા પ્લસને લીધે શહેરમાં થયેલા મૃત્યુના સંદર્ભમાં બે જણના જિનોમ સિક્વન્સિંગના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા છે અને બે જણના રિપોર્ટ હજી આવવાના બાકી છે. અમે આ લોકો જેમના પણ સંપર્કમાં આવ્યા હતા એમની માહિતી ભેગી કરીને તેમની હેલ્થને મૉનિટર કરી રહ્યા છીએ. લોકોએ પૅનિક થવાની જરૂર નથી, પણ એની સાથે બેદરકાર બનીને ફરવાની પણ જરૂર નથી. વૅક્સિનેટેડ લોકોએ પણ કોવિડ પ્રોટોકોલ પાળવો જરૂરી છે.’

મુંબઈ ઉપરાંત રત્નાગિરિ અને રાયગડમાં પણ એક-એક જણનાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટને લીધે મૃત્યુ થયાં છે. મુંબઈના ૧૧ કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૬૬ ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા છે.

coronavirus covid19 mumbai mumbai news viral shah ghatkopar