ભારે વરસાદમાં યવતમાળમાં નદીમાં પુલ પર ફસાયેલો પુરુષ તણાયો

01 September, 2025 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિયો લેનાર વ્યક્તિના કહેવા મુજબ આ વ્યક્તિ દારૂના નશામાં હોવાને કારણે તેને અનેક વાર કહેવા છતાં બહાર સલામત જગ્યાએ આવી નહીં અને આ દુર્ઘટના બની

નદીના પુલ પર બૅલૅન્સ ગુમાવતાં એક પુરુષ નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.

યવતમાળમાં ભારે વરસાદને લીધે નદીઓમાં પૂર આવ્યાં છે. ભારે પ્રવાહ સાથે ધસમસતા વહેણમાં એક પુરુષ તણાયો હોવાનો વિડિયો વાઇરલ થતાં લોકોએ ભારે વરસાદને કારણે થઈ રહેલા નુકસાન ઉપરાંત આવા સમયે લોકોને યોગ્ય મદદ ન મળતી હોવાની ચિંતા દર્શાવી હતી.

વાઇરલ થયેલા વિડિયોમાં દેખાતું હતું કે કોઈ પુલની ઉપરથી પાણી વહીને પસાર થતું હતું. એમાંથી પસાર થતો મોટી ઉંમરનો એક પુરુષ લાકડી પકડવા જાય છે અને બૅલૅન્સ ગુમાવતાં પડી જાય છે. તેમની પાસે ઊભેલો યુવાન મદદ કરવા જાય છે, પણ પાણીનો પ્રવાહ વધુ હોવાથી તે પુરુષ તણાઈ જાય છે. થોડી વાર સુધી તે સામા પ્રવાહમાં બહાર આવવા માટે પ્રયત્ન કરે છે, પણ છેવટે ડૂબી જાય છે.

વિડિયો લેનાર વ્યક્તિના કહેવા મુજબ આ વ્યક્તિ દારૂના નશામાં હોવાને કારણે તેને અનેક વાર કહેવા છતાં બહાર સલામત જગ્યાએ આવી નહીં અને આ દુર્ઘટના બની. વિડિયો વાઇરલ થયા બાદ લોકોએ કમેન્ટ કરીને પૂરની પરિસ્થિતિમાં પણ આ રીતે ફસાયેલા લોકોને મદદ મળતી ન હોવાની ચિંતા વ્યક્ત કરી હતી તો અમુક લોકોએ ભારે વરસાદમાં જીવ જોખમમાં મૂકીને બહાર નીકળવું જ ન જોઈએ એવો મત રજૂ કર્યો હતો.

mumbai rains monsoon news mumbai monsoon mumbai floods maharashtra maharashtra news social media viral videos news mumbai mumbai news