લોકલ ટ્રેનમાંથી રૉન્ગ સાઇડથી ઊતરવા ગયો અને ફેન્સમાં માથું ફસાઈ ગયું, યુવાને જીવ ગુમાવ્યો

06 June, 2025 08:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે પોલીસ અને સ્ટેશન ઑથોરિટી દ્વારા યુવકને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

લોકલ ટ્રેનની પીક અવર્સની ભીડમાંથી બચવા માટે અનેક મુસાફરો શૉર્ટ કટ અપનાવવાના ચક્કરમાં જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન પર બની હતી. ગુરુવારે સવારે આશરે પોણાદસ વાગ્યાની આસપાસ ધીલા હમીરા નામનો ૨૭ વર્ષનો યુવક મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ચાર નજીક ચાલુ ટ્રેનમાંથી રૉન્ગ સાઇડ પર ઊતર્યો હતો. ઊતરતી વખતે બે ટ્રૅક વચ્ચેની લોખંડની જાળીમાં તેનું માથું ફસાઈ ગયું હતું તેમ જ જાળીના તીક્ષ્ણ સ્પાઇક વાગી જતાં યુવકને ગંભીર ઈજાઓ થઈ હતી. રેલવે પોલીસ અને સ્ટેશન ઑથોરિટી દ્વારા યુવકને નાયર હૉસ્પિટલમાં લઈ જવાયો હતો જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જોગેશ્વરીનો રહેવાસી ધીલા હમીરા જે ટ્રેનમાં મુસાફરી કરતો હતો એ જ ટ્રેનના એક મુસાફરે આખી ઘટના પ્રત્યક્ષ જોઈ હતી. તેના જણાવવા મુજબ ટ્રેન મુંબઈ સેન્ટ્રલ પહોંચતાં જ આ યુવક ટ્રેન જે પ્લૅટફૉર્મ પર આવી એની બીજી બાજુથી ઊતરવા ગયો, પરંતુ તેનું માથું અને કપડાં બે ટ્રૅક વચ્ચે બનાવેલી ફેન્સમાં ભરાઈ જતાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

jogeshwari mumbai central mumbai railways train accident mumbai trains mumbai local train news mumbai police mumbai mumbai news