13 September, 2025 09:28 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણી અધિકાર સંસ્થા અસોસિએશન ફૉર ડેમોક્રૅટિક રિફૉર્મ્સ (ADR) અને નૅશનલ ઇલેક્શન વૉચ (NEW)ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે દેશના વર્તમાન ૫૨૦૪ સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી પાંચમા ભાગના જનપ્રતિનિધિઓ પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે અને તેઓ પૉલિટિકલ ફૅમિલીમાંથી રાજકારણમાં આવ્યા છે.
રાષ્ટ્રીય પક્ષોમાં ૩૨૧૪ વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ૬૫૭ (૨૦ ટકા) પૉલિટિકલ ફૅમિલી બૅકગ્રાઉન્ડ ધરાવે છે. કૉન્ગ્રેસના ૩૨ ટકા વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યો પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. ત્યાર બાદ ભારતીય જનતા પાર્ટી (BJP) ૧૮ ટકા સાથે આવે છે, જ્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્કસિસ્ટ-CPI (M) જેવા નાના પક્ષો ન્યૂનતમ વંશીય પ્રભાવ દર્શાવે છે. તેમના વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાં વંશીય પૃષ્ઠભૂમિ ધરાવતા માત્ર ૮ ટકા છે એમ અહેવાલમાં જણાવાયું છે.
ADR અને NEWના અહેવાલમાં જાણવા મળ્યું છે કે તમામ વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી ૧૧૦૭ (૨૧ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. રાજ્ય વિધાનસભાઓમાં સૌથી ઓછો હિસ્સો ૨૦ ટકા છે ત્યારે લોકસભા, રાજ્યસભા અને રાજ્ય વિધાનસભા પરિષદો અનુક્રમે ૩૧ ટકા, ૨૧ ટકા અને બાવીસ ટકા પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે.
રાજ્યોમાં ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે, જેમાં ૬૦૪ જનપ્રતિનિધિઓમાંથી ૧૪૧ (૨૩ ટકા) વંશીય રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. મહારાષ્ટ્રમાં ૪૦૩ વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી ૧૨૯ (૩૨ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. ગુજરાતના ૨૧૭માંથી ૨૬ એટલે કે ૧૨ ટકા જનપ્રતિનિધિઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.
બિહારમાં ૩૬૦ વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી ૯૬ (૨૭ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડના છે, જ્યારે કર્ણાટકમાં ૩૨૬ વર્તમાન જનપ્રતિનિધિઓમાંથી ૯૪ (૨૯ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. ટકાવારીના પ્રમાણની દૃષ્ટિએ આંધ્ર પ્રદેશ ૩૪ ટકા રાજકીય પરિવારો સાથે આગળ છે, ત્યાર બાદ મહારાષ્ટ્ર (૩૨ ટકા) અને કર્ણાટક (૨૯ ટકા) આવે છે.
આંધ્ર પ્રદેશમાં ૨૫૫ વર્તમાન સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી ૮૬ (૩૪ ટકા) રાજકીય પરિવારોમાંથી આવે છે.
આ પછી મહારાષ્ટ્રમાં ૪૦૩ જનપ્રતિનિધિઓમાંથી ૧૨૯ (૩૨ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે અને કર્ણાટકમાં ૩૨૬ જનપ્રતિનિધિઓમાંથી ૯૪ (૨૯ ટકા) વંશીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.
પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ બાબતે રાજ્યના પક્ષો એનાથી પણ ઊંચું સ્તર દર્શાવે છે જેમાં NCP (શરદચંદ્ર પવાર) અને JKNC બન્નેએ ૪૨ ટકા વંશીય પ્રતિનિધિત્વ નોંધાવ્યું છે. ત્યાર બાદ YSRCP (૩૮ ટકા) અને TDP (૩૬ ટકા)નો નંબર આવે છે. બીજી તરફ તૃણમૂલ કૉન્ગ્રેસ (૧૦ ટકા) જેવા પક્ષોમાં આ પ્રમાણમાં ઓછું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ફક્ત ૧૮ ટકા પુરુષ સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યો રાજકીય પરિવારોમાંથી આવે છે, ત્યારે મહિલાઓનો હિસ્સો ૪૭ ટકા સુધી વધી જાય છે.
૪૬૬૫ વર્તમાન પુરુષ જનપ્રતિનિધિઓમાંથી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ૮૫૬ (૧૮ ટકા) પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે. ૫૩૯ વર્તમાન મહિલા સંસદસભ્યો, વિધાનસભ્યો અને વિધાન પરિષદના સભ્યોમાંથી ૨૫૧ (૪૭ ટકા) રાજકીય પરિવારોમાંથી આવે છે. પુરુષોની તુલનામાં મહિલાઓમાં વંશીય પ્રતિનિધિત્વ બમણાથી પણ વધુ છે.
૧૦૦ ટકા મહિલા પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ સાથેના જનપ્રતિનિધિઓ ધરાવતા રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગોવા (૩માંથી ૩), પૉન્ડિચેરી (એકમાંથી એક) અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ (એકમાંથી એક)નો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૯૪ વર્તમાન અપક્ષ જનપ્રતિનિધિઓમાંથી ૨૩ (૨૪ ટકા) વંશીય રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.
ઝારખંડ (૭૩ ટકા મહિલા વંશીય) અને મહારાષ્ટ્ર (૬૯ ટકા) જેવાં રાજ્યોમાં રાજકારણમાં લગભગ બધી મહિલાઓ રાજકીય કૌટુંબિક પૃષ્ઠભૂમિ પર આધાર રાખે છે.
ઉત્તર પ્રદેશના ૧૪૧ અને મહારાષ્ટ્રના ૧૨૯ જનપ્રતિનિધિઓ, જ્યારે ગુજરાતના માત્ર ૨૬ જનપ્રતિનિધિઓ રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે.
લોકસભામાં ૩૧, રાજ્યસભામાં ૨૧ અને રાજ્ય વિધાનસભાઓમાં ૨૦ ટકા જનપ્રતિનિધિઓ પૉલિટિકલ બૅકગ્રાઉન્ડ ધરાવે છે.
૧૮ ટકા પુરુષ જનપ્રતિનિધિઓ સામે ૪૭ ટકા મહિલા જનપ્રતિનિધિઓ રાજકીય પરિવારોમાંથી આવે છે