31 January, 2026 09:30 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
શેખ હસીના
દિલ્હીમાં શેખ હસીનાના ભાષણથી ગુસ્સે ભરાયેલા બંગલાદેશે ભારત વિરુદ્ધ વધુ એક મોટો નિર્ણય લીધો છે. બંગલાદેશે ચટ્ટોગ્રામના મીરસરાઈમાં ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન પ્રોજેક્ટને સત્તાવાર રીતે રદ કર્યો છે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની અધ્યક્ષતામાં મળેલી બંગલાદેશ ઇકૉનૉમિક ઝોન ઑથોરિટી (BEZA)ની ઉચ્ચ સ્તરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માટે બંગલાદેશ ઇન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ઑથોરિટી (BIDA)નાં ઇનપુટ્સ પણ લેવામાં આવ્યાં હતાં.
બંગલાદેશ સરકાર હવે આ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલી જમીનનો ઉપયોગ સ્થાનિક લશ્કરી ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ડિફેન્સ ઇન્ડસ્ટ્રિયલ ઝોન સ્થાપિત કરવા માટે કરશે. આશરે ૮૫૦ એકર જમીન હવે બંગલાદેશે ચીનને ફાળવી છે અને એ ચીનની મદદથી ડ્રોન બનાવશે. ચીન ટેક્નૉલૉજી ટ્રાન્સફર કરવા માટે તૈયાર થયું છે. આ નિર્ણય ભૂતપૂર્વ પદભ્રષ્ટ વડાં પ્રધાન શેખ હસીનાના નવી દિલ્હીમાં મીડિયાને વર્ચ્યુઅલ સંબોધન બાદ લેવામાં આવ્યો હતો. આ નિર્ણય ભારત-બંગલાદેશ સંબંધોને વધુ તનાવપૂર્ણ બનાવી શકે છે.
ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન પ્રોજેક્ટ ભારત અને બંગલાદેશ વચ્ચે આર્થિક સહયોગના પ્રતીક તરીકે જોવામાં આવતો હતો. આ પ્રોજેક્ટનો હેતુ બન્ને દેશો વચ્ચે ઔદ્યોગિક સહયોગ અને આર્થિક એકીકરણને મજબૂત બનાવવાનો હતો. જોકે યુનુસ સરકારે દાવો કર્યો છે કે આંતરરાષ્ટ્રીય ટેન્ડરોને મંજૂરી આપવા અને કામ ઝડપી બનાવવા માટે વારંવાર વિનંતીઓ કરવા છતાં કોઈ નોંધપાત્ર વિકાસ થયો નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂન ૨૦૧૫માં ઢાકાની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ખાસ કરીને ભારતીય રોકાણકારો માટે બંગલાદેશમાં એક ઇન્ડિયન ઇકૉનૉમિક ઝોન સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો. બંગલાદેશનાં તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીના આ પ્રસ્તાવ સાથે સંમત થયાં હતાં અને બન્નેએ જૉઇન્ટ ડેક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા.