22 July, 2026 03:50 PM IST | Srinagar | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના અનંતનાગ (Anantnag) શહેરના લાલ ચોક (Lal Chowk) વિસ્તારમાં થયેલા શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક પોલીસકર્મી શહીદ થઈ ગયા છે. પ્રાથમિક માહિતી મુજબ, હુમલામાં પોલીસકર્મી ગંભીર રીતે ઘવાયા હતા. ત્યારબાદ તેમને સારવાર અર્થે ગંભીર હાલતમાં GMC અનંતનાગ લઈ જવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં બુધવારે શંકાસ્પદ આતંકવાદીઓએ પોલીસ ટીમ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. ઘટના અંગે માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અનંતનાગ શહેરના લાલ ચોક નજીક શંકાસ્પદ આતંકવાદીઓએ (Anantnag Terror Attack) પોલીસ ટીમ પર ફાયરિંગ કર્યું હતું, જેમાં એક પોલીસ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલા આ જવાને ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો અને તેઓ શહીદ થયા હતા.
શહીદ પોલીસકર્મીની ઓળખ IRP 3જી બટાલીયનના આશિક હુસૈન તરીકે થઈ છે. તેઓ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના બીરવાહ વિસ્તારના રહેવાસી હતા. જાણવા મળી રહ્યું છે કે આશિક હુસૈન યાત્રા ડ્યુટી પર તૈનાત પોલીસ ટીમનો ભાગ હતા.
હુમલા બાદ સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની શોધખોળ માટે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. સુરક્ષા દળો વિસ્તારની દરેક પ્રવૃત્તિ પર નજર રાખી રહ્યા છે.
આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ લીધી છે. TRF એ પોતાના નિવેદનમાં દાવો કર્યો છે કે આશિક નામના પોલીસકર્મીને પાંચ ગોળીઓ મારવામાં આવી હતી. સંગઠને જણાવ્યું છે કે આ મામલે તેઓ ટૂંક સમયમાં વધુ માહિતી જાહેર કરશે.
સુરક્ષા એજન્સીઓ હવે આ હુમલા પાછળ સામેલ આતંકવાદીઓ અને તેમને મદદ કરનારાઓની માહિતી એકઠી કરવામાં લાગી ગઈ છે. અનંતનાગ અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે.
TRF ને પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનું એક છદ્મ (Proxy) સંગઠન માનવામાં આવે છે. ઓગસ્ટ ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યા બાદ આ સંગઠન અસ્તિત્વમાં આવ્યું હતું.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા અનુસાર, TRF ની રચના લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે આ સંગઠનનો ઉપયોગ જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકવાદી પ્રવૃત્તિઓને સ્થાનિક રૂપ આપવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે લશ્કર-એ-તૈયબાનું નામ છુપાવવા માટે કરવામાં આવ્યો હતો.
ભારત સરકારે જાન્યુઆરી ૨૦૨૩માં TRF ને UAPA (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પ્રતિબંધક કાયદો) હેઠળ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું. સરકારે જણાવ્યું હતું કે આ સંગઠન આતંકવાદી પ્રવૃત્તિઓ, આતંકીઓની ભરતી, ઘૂસણખોરી અને હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યું છે.