સોનુ સુદના સમર્થનમાં આવ્યાં અરવિંદ કેજરીવાલ, કહ્યું કે તેમની....

15 September, 2021 08:25 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્કમ ટેક્ષ વિભાગની ટીમ અભિનેતો સોનુ સુદના ઘરે પહોંચી હતી. તે મામલે અરવિંદ કેજરીવાલે સોનુ સુદના સમર્થનમાં પોતાની પ્રતિક્રિયા આપી છે.

અરવિંદ કેજરીવાલ

અભિનેતા સોનુ સુદના ઘરે આજે ઈન્કમ ટેક્ષની ટીમ પહોંચી હતી. જેને લઈ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  કહ્યું કે અભિનેતા સોનુ સુદ સાથે ભારતના લાખો પરિવારોની પ્રાર્થનાઓ છે, જેઓને મુશ્કેલ સમયમાં તેમણે મદદ કરી હતી. આવકવેરા વિભાગના અધિકારીઓએ મુંબઇમાં અભિનેતા સોનુ સુદ સાથે જોડાયેલા સ્થળો પર સર્વે હાથ ધર્યો હતો. આ ઉપરાંત અન્ય કેટલાક સ્થળોએ પણ કથિત IT ટીમની તપાસ થઈ હોવાના અહેવાલ છે. 

સોનુ સુદના સમર્થનમાં આગળ આવી કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે સત્યના માર્ગ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ સત્ય હંમેશાં જીતે છે. તેમણે કહ્યું કે, `સત્યના પાથ પર લાખો મુશ્કેલીઓ છે, પરંતુ સત્ય હંમેશાં જીતે છે. સોનુ સુદ જી સાથે, ભારતના લાખો પરિવારોની પ્રાર્થનાઓ છે, જેઓને સોનુએ મુશ્કેલ સમયમાં ટેકો આપ્યો છે.`

દિલ્હી સરકારે તાજેતરમાં આમ આદમી પાર્ટી સરકારના `દેશ કા મેન્ટર્સ` પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સુદ જાહેર કર્યા હતા. જે કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને તેમની કારકિર્દીની પસંદગી કરવામાં માર્ગદર્શન આપવામાં આવશે. અન્ય આપના નેતાઓ પણ સોનુ સુદના સમર્થનમાં આવ્યા હતા.

આપ નેતા અને ધારાસભ્ય રાઘવ ચઢ્ઢા પણ સોનુના સમર્થનમાં આવ્યું છે. તેમણે કહ્યું કે, `આ બધું કઈં જ નથી પરંતુ સરકારની એક જાળ છે, કઠીન સમયમાં જ્યારે સરકાર કંઈ ના કરી શકે ત્યારે સોનુ સુદે જે પરોપકારી કાર્ય કર્યુ તેની અદેખાઈ છે.`

અન્ય એક આપના ધારાસભ્યએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા, જે દેશ માટે સારા કામો કરે તે વ્યક્તિને હેરાન કરવામાં આવે છે. 

નોંધનીય છે કે ગત વર્ષે કોરોનાની મહામારી દરમિયાન કામદારો અને મજૂરોને તેમના ઘર સુધી પહોંચવા સોનુ સુદે મદદ કરી હતી. આ ઉપરાંત લોકો માટે તેમણે ઘણાં સારા કામો કર્યા અને લોકોના મસીહા તરીકે ઉભરી આવ્યાં હતાં. 

sonu sood income tax department national news arvind kejriwal mumbai