09 May, 2025 11:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતની ઍર સ્ટ્રાઇક બાદ હવે બલોચ વિદ્રોહીઓએ પાકિસ્તાનની સેના પર હુમલા કર્યા છે. બલોચ વિદ્રોહીઓએ પાકિસ્તાનની સેનાના સૈનિકોના એક વાહનમાં બ્લાસ્ટ કર્યો હતો. બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA))એ દાવો કર્યો છે કે એના આ હુમલામાં ૧૨ પાકિસ્તાની સૈનિકોનાં મોત થયાં છે. BLAના સ્પેશ્યલ ટેક્ટિકલ ઑપરેશન્સ સ્ક્વૉડ (STOS)એ બોલાનના માચના શોરકંદ વિસ્તારમાં લશ્કરી કાફલાના વાહનને નિશાન બનાવવા માટે રિમોટ કન્ટ્રોલ ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED)નો ઉપયોગ કર્યો હતો. રિમોટનો ઉપયોગ કરીને વિસ્ફોટથી વાહનને ઉડાડી દેવામાં આવ્યું હતું. વાહનમાં બેસેલા ૧૨ સૈનિકોનાં મોત થયાં હતાં જેમાં વિશેષ ઑપરેશન કમાન્ડર તારિક ઇમરાન અને સૂબેદાર ઉમર ફારુક સામેલ હતા. આમ પાકિસ્તાનમાં બલોચ વિદ્રોહીઓનો આ બીજો હુમલો છે.
૮ નક્સલવાદીઓ છત્તીસગઢના સુકમામાં ઠાર, પાંચ જવાન શહીદ
એક તરફ પાકિસ્તાનના આતંકવાદીઓ સામે ભારતીય સેના લડી રહી છે ત્યારે બીજી તરફ છત્તીસગઢમાં સુરક્ષા દળો નક્સલવાદીઓ સામે લડી રહ્યાં છે. આ દરમ્યાન ગઈ કાલે સુકમા જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં સુરક્ષા દળોએ બે ડિવિઝનલ કમિટીના સદસ્ય સહિત ૮ નક્સલીઓને ઠાર માર્યા હતા. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણમાં તેલંગણની ગ્રીન ફાઇટર ટીમના પાંચ જવાન શહીદ થયા છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી વધી ગઈ છે ત્યારે ITIના વિદ્યાર્થીઓને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટ્રેઇનિંગ અપાશે
ઑપરેશન સિંદૂર પછી ગઈ કાલે પણ ભારત–પાકિસ્તાન વચ્ચે બૉમ્બમારો થયો હતો અને સરહદી વિસ્તોમાં ફાયરિંગ થઈ રહ્યું છે તથા યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે લોકોને મદદ કરવા અને કાળજી લેવા યુવાનો ભાગ ભજવી શકે એવા ઉદ્દેશથી ઇન્ડસ્ટ્રિયલ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (ITI)ના સ્ટુડન્ટ્સને એ માટે ખાસ ટ્રેઇનિંગ આપવામાં આવશે. રાજ્યના સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢાએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ‘વિદ્યાર્થીઓને સિવિલ ડિફેન્સ અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની ટ્રેઇનિંગ આપવામાં આવશે જેથી તેઓ કટોકટીની પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે. સૌથી પહેલાં આ ટ્રેઇનિંગ પ્રોગ્રામ થાણેની રાજમાતા જીજાઉ ગવર્નમેન્ટ ITIમાં શરૂ કરવામાં આવશે અને એ પછી રાજ્યની બધી ITIમાં હાથ ધરવામાં આવશે. ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રવીણ દીક્ષિત સ્ટુડન્ટ્સને ગાઇડન્સ આપશે. અનિરુદ્ધ’સ ઍકૅડેમી ઑફ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના સહયોગ સાથે આ ટ્રેઇનિંગ આપવામાં આવશે જેમાં સિવિલ ડિફેન્સ અને ઇમર્જન્સી રિસ્પૉન્સની ટેક્નિક શીખવાડવામાં આવશે.’