08 November, 2025 07:49 AM IST | Haryana | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
‘બ્રાઝિલિયન મૉડલ વિવાદ’ના કેન્દ્રમાં રહેલી મહિલાએ ગુરુવારે જણાવ્યું હતું કે રાહુલ ગાંધીએ આ અઠવાડિયે જે નકલી વોટર કાર્ડ બતાવ્યાં છે એમાંથી એક મારું છે, પણ વાસ્તવિકતામાં એના પર રહેલો ફોટોગ્રાફ મારો નથી. મુનેશ નામની આ મહિલાએ જણાવ્યું હતું કે ‘મારી પાસે જે વોટર કાર્ડ છે એમાં મારો ફોટો છે. રાહુલ ગાંધીએ જે કાર્ડ બતાવ્યું એમાં મારો ફોટો નથી. મેં મારો મત આપ્યો હતો. મને ખબર નથી કે રાહુલ ગાંધીએ જે કાર્ડ (બનાવટી કાર્ડ) બતાવ્યું છે એના પર કોનો ફોટો છે.’
રાહુલ ગાંધીનો શું આરોપ હતો?
બુધવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ગયા વર્ષે હરિયાણાના રાયમાં બાવીસ વખત મતદાન કરવા માટે એક જ મતદાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્ડ પર બ્રાઝિલિયન મહિલાનો ફોટો હતો અને એને સ્ટૉક ઇમેજ પ્લૅટફોર્મ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો હતો. આ બેઠક પર BJPના કૃષ્ણા ગહલાવતે કૉન્ગ્રેસના ભગવાન એન્ટિલને ૪૬૭૩ મતથી હરાવીને જીત મેળવી હતી. પ્રેસ-કૉન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાહુલ ગાંધીએ હરિયાણાની ચૂંટણીમાં મોટા પાયે મતદારોની છેતરપિંડી સાથે આશરે ૨૫ લાખ મતની ચોરીનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે હરિયાણામાં આઠમાંથી એક મતદાર નકલી છે.
ત્યાર બાદ રાહુલ ગાંધીએ મુનેશનું મતદાર ઓળખપત્ર ઉદાહરણ તરીકે બતાવ્યું હતું. કોઈએ ધ્યાન દોર્યું કે ફોટોગ્રાફમાં રહેલી મહિલા હરિયાણાની નથી. ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘પરંતુ આ મહિલા બાવીસ વાર મતદાન કરે છે. તેનાં અનેક નામ છે : સીમા, સ્વીટી, સરસ્વતી, રશ્મિ, વિમલા. આ એક કેન્દ્રીય કામગીરી છે. કોઈએ આ મહિલાને કેન્દ્રીય સ્તરે યાદીમાં ઘુસાવી છે, બૂથ સ્તરે નહીં.’
આના જવાબમાં BJPના નેતા અને કેન્દ્રીય પ્રધાન કિરેન રિજિજુએ બિહારમાં મતદાન શરૂ થવાના કલાકો પહેલાં બનાવટી મુદ્દાઓ ઉઠાવવા બદલ રાહુલ ગાંધીની ટીકા કરીને કહ્યું હતું કે બિહારમાં કંઈ બચ્યું નથી એટલે તેઓ હરિયાણાની વાતો કરી રહ્યા છે.
બીજી તરફ ચૂંટણીપંચનાં સૂત્રોએ નિર્દેશ કર્યો હતો કે કૉન્ગ્રેસે હરિયાણાનાં ચૂંટણી-પરિણામોની સમીક્ષા દરમ્યાન કોઈ સંબંધિત અપીલ કે વાંધો દાખલ કર્યો નથી. તેમણે આરોપોને પાયાવિહોણા ગણાવીને ચૂંટણી-પ્રક્રિયા દરમ્યાન કૉન્ગ્રેસની પોતાની સતર્કતા પર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
બુધવારે રાહુલ ગાંધીએ ફોડેલા હાઇડ્રોજન બૉમ્બમાં તેમણે હરિયાણાની રાઈ વિધાનસભા બેઠક પર બોગસ વોટિંગ થયેલું અને ૧૦ બૂથો પર બાવીસ મતો બ્રાઝિલિયન મૉડલે આપ્યા હતા એવો દાવો કર્યો હતો. આ દાવા પછી રાઈ મતક્ષેત્રમાં લોકો શોધવા લાગ્યા હતા કે તે કયા લોકો હતા જેના નામે આ મતો પડ્યા હતા. આ સંશય અને વિવાદ ઘેરો બનતાં આ વિસ્તારના ૧૪ મતદાતાઓએ કહ્યું હતું તેઓ ખુદ વિધાનસભા ચૂંટણીમાં મત આપવા ગયેલા. એ જ યાદીમાં બીજા ૮ લોકોનો સંપર્ક થઈ શક્યો નહોતો. એવામાં રાહુલ ગાંધીએ જે સવાલો ઉઠાવ્યા હતા એ કેટલા સાચા છે એના પર સવાલો ઊઠી રહ્યા છે.
ગુરુવારે બિહારમાં પહેલા તબક્કાનું મતદાન થયું, પરંતુ પુણેની ઊર્મિ નામની એક વકીલે બિહારના કૉન્ગ્રેસીઓને સોશ્યલ મીડિયા પર સક્રિય કરી દીધા હતા. વાત એમ હતી કે ઊર્મિએ ગઈ કાલે જ સોશ્યલ મીડિયા પર એક તસવીર મૂકી હતી જેમાં તેણે મત આપ્યા પછી પહેલી આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું હતું અને લખ્યું હતું, ‘Voted for a Modi-fied India. Jaai je Vote daali, Bihar.’ બસ, નકલી મતો પકડવા માટે બાવરી બનેલી કૉન્ગ્રેસના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર આ તસવીર સાથે કમેન્ટ્સનો મારો થવા લાગ્યો કે આ તો પુણેની મહિલા છે, તેણે બિહારમાં કઈ રીતે વોટ આપ્યો? લગભગ ચાર-પાંચ કલાક સોશ્યલ મીડિયા ગરમાયેલું રહ્યું એ પછી ઊર્મિએ પોતાના અકાઉન્ટ પર સ્પષ્ટતા કરીને વોટ-ચોરીના આરોપો મૂકનારાઓની હવા કાઢી નાખી. તેણે લખ્યું, ‘મેં કહ્યું હતું I voted, પણ મેં એવું નહોતું કહ્યું કે આજે વોટ આપ્યો. સહુ જાણે છે કે હું મહારાષ્ટ્રમાં મતદાન કરું છું. ઠંડા પડો બિહારવાસીઓ.’