14 May, 2025 01:06 PM IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
પૂર્ણમ કુમાર શૉ (તસવીર સૌજન્ય: એજેન્સી)
બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ના જવાન પૂર્ણમ કુમાર શૉ 23 એપ્રિલ, 2025 થી પાકિસ્તાન રેન્જર્સની કસ્ટડીમાં હતા. આજે સવારે લગભગ 10:30 વાગ્યે, પાકિસ્તાને તેમને સુરક્ષિત રીતે ભારતને સોંપી દીધા. આ પ્રત્યાર્પણ અટારી, અમૃતસર ખાતે સંયુક્ત ચેકપોસ્ટ દ્વારા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું. તમને જણાવી દઈએ કે પૂર્ણમ કુમાર શૉ ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને પાકિસ્તાનમાં પ્રવેશી ગયા હતા. આ પછી પાકિસ્તાન રેન્જર્સે તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા. ભારતે આ ઘટના અંગે તાત્કાલિક પાકિસ્તાન સાથે ઉચ્ચ સ્તરીય વાતચીત શરૂ કરી અને સૈનિકની સુરક્ષિત વાપસીની માગ કરી.
હકીકતમાં, પંજાબના ફિરોઝપુર સેક્ટરમાં એક બૉર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) જવાન ભૂલથી આંતરરાષ્ટ્રીય સરહદ (International Border) પાર કરી ગયા હતા, જેને પાકિસ્તાની રેન્જર્સે પકડી લીધા હતા. આ ઘટના 23 એપ્રિલના રોજ બની હતી. જવાનની ઓળખ 182મી BSF બટાલિયનના કૉન્સ્ટેબલ પૂર્ણમ કુમાર શૉ તરીકે થઈ હતી. તે ભારત-પાકિસ્તાન સરહદ નજીકના એક ખેતર પાસે ડ્યૂટી પર હતા. નિયમિત પ્રવૃત્તિ દરમિયાન, તે અજાણતામાં ભારતીય સરહદની વાડ ઓળંગી ગયા અને પાકિસ્તાની ક્ષેત્રમાં પ્રવેશ્યા, જ્યાં પાકિસ્તાન રેન્જર્સ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી.
આ ઘટના ત્યારે બની જ્યારે BSF જવાન પીકે શૉ 182મી બટાલિયન, બોર્ડરના ગેટ નંબર ૨૦૮/૧ પર ડ્યૂટી પર હતા. તેઓ લણણી દરમિયાન ભારતીય ખેડૂતો પર નજર રાખી રહ્યા હતા. BSF ખેડૂતોને સુરક્ષા પણ પૂરી પાડે છે. તેથી, જ્યારે સૈનિકે તીવ્ર ગરમીમાં ઝાડની છાયામાં ઊભા રહેવાનો પ્રયાસ કર્યો, ત્યારે પાકિસ્તાની રેન્જર્સે તેને કસ્ટડીમાં લઈ લીધા. તેની સર્વિસ રાઇફલ પણ જપ્ત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા જ તેમને આ વિસ્તારમાં પોસ્ટિંગ મળ્યું હતું.
બૉર્ડર સિક્યુરિટી ફોર્સ પંજાબ ફ્રન્ટિયરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "BSF જવાન પૂર્ણમ કુમાર શૉને આજે સવારે 10:30 વાગ્યે અટારી-વાઘા સંયુક્ત ચેકપોસ્ટ દ્વારા પાકિસ્તાન રેન્જર્સ દ્વારા ભારતને સોંપવામાં આવ્યા હતા. સોંપણી શાંતિપૂર્ણ રીતે અને નિર્ધારિત પ્રૉટોકોલ અનુસાર કરવામાં આવી હતી." આ સમયે તેમનો પરિવાર પણ હાજર હતો.
તમને જણાવી દઈએ કે તેમની પત્ની રજની શૉ ગર્ભવતી છે. તે પોતાના પતિને પાકિસ્તાનની કેદમાંથી મુક્ત કરવા માટે વિવિધ સ્તરે વિનંતી કરી રહી હતી. આખરે ભારત સરકારે રાજદ્વારી માધ્યમો દ્વારા પાકિસ્તાન પર દબાણ લાવ્યું અને અંતે પાકિસ્તાનને તેમણે છોડવું પડ્યું. પૂર્ણમ કુમાર શૉ પત્ની રજની ફિરોઝપુરમાં બૉર્ડર સિક્યુરિટી ફોર્સના કમાન્ડિંગ ઓફિસરને મળી હતી. બીએસએફ અધિકારીઓ તરફથી ખાતરી મળ્યા બાદ, તે તેના પુત્ર, બહેનો અને સાળા સાથે અમૃતસર થઈને કોલકાતા પરત ફરી.
પશ્ચિમ બંગાળના રહેવાસી
પૂર્ણમ મૂળ પશ્ચિમ બંગાળના રિશ્રાના રહેવાસી છે. થોડા દિવસો પહેલા, સૈનિકની પત્ની રજનીએ તેના પતિની મુક્તિ અંગે મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળી હતી. ચંદીગઢ પહોંચ્યા પછી રજનીએ બીએસએફના અધિકારીઓને પણ મળી હતી.