24 April, 2025 08:25 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir)ના પહેલગામ(Pahalgam)માં મંગળવારે થયેલા આતંકવાદી હુમલા (Pahalgam Terrorist Attack) બાદ ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના સંબંધો વધુ વણસી ગયા છે. તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે, પાકિસ્તાની રેન્જર્સ (Pakistani Ramgers)એ એક બોર્ડર સિક્યુરિટી ફોર્સ (Border Security Force – BSF) સૈનિકને કસ્ટડીમાં લીધો છે. હવે તેની મુક્તિ માટે ફ્લેગ મીટિંગ યોજાઈ રહી છે. આ ઘટના ફિરોઝપુર (Ferozepur)માં ભારત-પાકિસ્તાન સરહદ પર બની હતી.
બુધવારે, ફિરોઝપુરમાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર સીમા સુરક્ષા દળ (BSF)ના એક જવાન શૂન્ય રેખા પાર કરીને પાકિસ્તાન ગયા. જવાનને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો. જવાન કાંટાળા તારની બીજી બાજુમાં આવેલા નો મેન્સ લેન્ડમાં પાક લણતા ખેડૂતો પર નજર રાખી રહ્યો હતો. તે દરમિયાન ભારતીય દળના જવાને ભૂલથી સરહદ પાર કરી દીધી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, સૈનિકની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું કે ૧૮૨મી બટાલિયનના કોન્સ્ટેબલ પીકે સિંહને બુધવારે ફિરોઝપુર સરહદ પારથી પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. સૈનિક યુનિફોર્મમાં હતો અને તેની પાસે સર્વિસ રાઇફલ પણ હતી.
ખેડૂતોને ખાસ પરવાનગી સાથે શૂન્ય રેખા પહેલા આ વિસ્તારમાં ખેતી કરવાની છૂટ છે. પાકની વાવણી અને લણણી દરમિયાન BSF જવાનો તેમની સાથે તૈનાત હોય છે. તેમને કિસાન ગાર્ડ પણ કહેવામાં આવે છે. શૂન્ય રેખાથી કાંટાળો તાર ઘણો આગળ છે. શૂન્ય રેખા પર ફક્ત થાંભલા લગાવવામાં આવ્યા છે. પાકિસ્તાને તેની બાજુમાં કાંટાળો તાર લગાવ્યો નથી. આ કારણે, જવાન ભૂલથી શૂન્ય રેખા પાર કરીને ગરમીને કારણે પાકિસ્તાની સરહદમાં ઝાડની છાયા નીચે બેસી ગયો હતો. આ દરમિયાન, પાકિસ્તાની રેન્જર્સ જલ્લોક ખાતે BSF ચેક પોસ્ટ પર પહોંચ્યા અને BSF જવાનને કસ્ટડીમાં લીધો અને તેના હથિયારો જપ્ત કર્યા. માહિતી મળતાં જ BSF અધિકારીઓ સરહદ પર પહોંચી ગયા. જવાનને મુક્ત કરાવવા માટે, સરહદ પર પાકિસ્તાની રેન્જર્સ અને BSF અધિકારીઓ વચ્ચે રાત સુધી ફ્લેગ મીટિંગ ચાલુ રહી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, BSF બટાલિયન-24 શ્રીનગરથી મામદોટ શિફ્ટ થઈ ગઈ છે. બુધવારે સવારે ખેડૂતો કમ્બાઈન હાર્વેસ્ટર લઈને ખેતરમાંથી વાડ પરના ગેટ નંબર-208/1 દ્વારા ઘઉં કાપવા ગયા હતા. ખેડૂતો પર નજર રાખવા માટે BSFના બે જવાન પણ તેમની સાથે ગયા હતા. આ દરમિયાન, જવાન ભૂલથી સરહદ પાર કરી ગયો હતો. BSF દ્વારા હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ફ્લેગ મીટિંગ ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે BSF જવાનની મુક્તિ માટે બંને દેશોના દળો વચ્ચે `ફ્લેગ મીટિંગ્સ` ચાલી રહી છે. તેમણે કહ્યું કે આવી ઘટનાઓ અસામાન્ય નથી અને બંને પક્ષો વચ્ચે પહેલા પણ આવી ઘટનાઓ બની છે.