28 April, 2025 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BSFનો જવાન પુર્ણમકુમાર શૉ
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF)નો એક જવાન ભૂલથી સીમા પાર પાકિસ્તાનમાં પહોંચી ગયો હતો અને ૯૦ કલાકમાં સૈન્ય સ્તરની ૩ બેઠકો થયા બાદ પણ પાકિસ્તાને આ જવાનને પાછો આપ્યો નથી. BSF અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે ત્રણ રાઉન્ડની બેઠક થઈ છે, પણ તેઓ જણાવે છે કે અમને આ વિશે જાણકારી નથી.
પંજાબમાં ફિરોઝપુર આંતરરાષ્ટ્રીય સરહદ પર ચોકી કરતી વખતે બુધવારે BSFનો જવાન પુર્ણમકુમાર શૉ ભૂલથી ભારતની સીમા ક્રૉસ કરીને પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયો હતો અને પાકિસ્તાની રેન્જર્સે તેને પકડી લીધો હતો. BSFનો જવાન સેનાના યુનિફૉર્મમાં હતો અને તેની પાસે સર્વિસ રાઇફલ પણ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તે સરહદ પર ચોકી કરી રહ્યો હતો અને ભૂલથી સીમા પાર કરીને એક ઝાડના છાંયડામાં જઈને બેઠો હતો. ત્યાં કથિત રીતે પાકિસ્તાની રેન્જર્સે તેને અટકાયતમાં લીધો હતો.
BSFએ હવે ફીલ્ડ કમાન્ડર સ્તરની બેઠક યોજવાની માગણી કરી છે. આ સંદર્ભમાં ગૃહમંત્રાલયને પણ જાણ કરવામાં આવી છે. જવાનનાં માતા-પિતા પશ્ચિમ બંગાળમાં રહે છે અને તેમણે પણ પુત્રની સુરક્ષા વિશે ચિંતા વ્યક્ત કરી છે. પુત્ર સુરક્ષિત પાછો આવે એ માટે તેમણે ભારત સરકારને વિનંતી કરી છે.
આ આખો ઘટનાક્રમ એવા સમયે થયો છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવભરી સ્થિતિ છે.