01 May, 2025 06:46 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
અમિત શાહની ફાઇલ તસવીર
બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. બેઠકમાં સરકારે નિર્ણય લીધો કે આગામી વસ્તી ગણતરીમાં જાતિગત વસ્તી ગણતરી (Caste Census In India) કરવામાં આવશે. બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)એ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આગામી વસ્તી ગણતરીમાં જાતિઓની પણ ગણતરી કરવામાં આવશે. નોંધનીય છે કે કોંગ્રેસ (Congress)ના સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi), સમાજવાદી પાર્ટી (Samajwadi Party) પ્રમુખ અખિલેશ યાદવ (Akhilesh Yadav) જેવા વિપક્ષી નેતાઓ વારંવાર કેન્દ્ર સરકાર પાસે જાતિગત વસ્તી ગણતરી કરાવવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ દેશમાં જાતિગત વસ્તી ગણતરી અંગે કેન્દ્રના નિર્ણયની પ્રશંસા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ મોદી સરકારે આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે.
જાતિગત વસ્તી ગણતરીના કેન્દ્ર સરકારના નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)એ ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક પોસ્ટ લખી છે. જેમાં તેમણે કહ્યું છે કે, ‘સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ મોદી સરકારે આજે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. પીએમ મોદીના નેતૃત્વમાં આજે યોજાયેલી CCPA બેઠકમાં આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લઈને સામાજિક સમાનતા અને દરેક વર્ગના અધિકારો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો સંદેશ આપવામાં આવ્યો છે.’
તેમણે આગળ લખ્યું, ‘કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ દાયકાઓ સુધી સત્તામાં રહીને જાતિગત વસ્તી ગણતરીનો વિરોધ કર્યો હતો અને વિરોધ પક્ષમાં રહીને તેના પર રાજકારણ કર્યું હતું. આ નિર્ણય તમામ આર્થિક અને સામાજિક રીતે પછાત વર્ગોને સશક્ત બનાવશે, સમાવેશને પ્રોત્સાહન આપશે અને વંચિતોની પ્રગતિ માટે નવા માર્ગો ખોલશે.’
જ્યારે સમાજવાદી પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા જાતિગત વસ્તી ગણતરીના નિર્ણયને PDA અને IND ગઠબંધનની જીત ગણાવવામાં આવી છે. તે જ સમયે, ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા, તેમણે ચૂંટણીમાં ગોટાળા સામે ચેતવણી આપી છે. સમાજવાદી પાર્ટીના વડાએ કહ્યું કે, ‘જાતિગત વસ્તી ગણતરીનો નિર્ણય 90 ટકા પીડીએની એકતાનો 100 ટકા વિજય છે. આપણા બધાના સંયુક્ત દબાણને કારણે, ભાજપ સરકારને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સામાજિક ન્યાયની લડાઈમાં પીડીએની જીતનો આ ખૂબ જ મહત્વપૂર્ણ તબક્કો છે.’
રાષ્ટ્રીય જનતા દળ (Rashtriya Janata Dal)ના સુપ્રીમો લાલુ યાદવ (Lalu Yadav)એ પણ આ વિષય પર પોતાની પ્રતિક્રિયા આપતા સોશ્યલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ એક્સ પર એક લાંબી પોસ્ટ કરી છે.
નરેન્દ્ર મોદી સરકારના જાતિગત વસ્તી ગણતરી આ નિર્ણય પર ઘણા નેતાઓએ પ્રતિક્રિયા આપી છે.