કૉન્ગ્રેસ : બિહારમાં SIR વખતે અમે ૮૯ લાખ ફરિયાદ આપી, તમામ નકારી દેવાઈ

02 September, 2025 10:47 AM IST  |  Bihar | Gujarati Mid-day Correspondent

ઇલેક્શન કમિશને કૉન્ગ્રેસને ફટકાર લગાવતાં એમ પણ કહ્યું કે આખો મહિનો અમે વાંધાઅરજી મગાવતા રહ્યા ત્યારે કોઈ ન આવ્યું અને છેલ્લા ૪૮ કલાકમાં ૮૯ લાખ ફરિયાદો એકસાથે આપી, એ પણ ફૉર્મ ભર્યા વગર, છતાં અમે તપાસ કરીશું

પ્રતીકાત્મક તસવીર

કૉન્ગ્રેસના નેતા અને પાર્ટીના પ્રવક્તા પવન ખેડાએ દાવો કર્યો હતો કે બિહારમાં મતદારયાદીઓના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વખતે કૉન્ગ્રેસ પાર્ટીએ ૮૯ લાખ ફરિયાદો ચૂંટણીપંચને આપી હતી, પણ તમામ ફરિયાદોને નકારવામાં આવી હતી.

આ મુદ્દે પવન ખેડાએ પટનામાં પ્રેસ-કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે ‘કૉન્ગ્રેસની ટીમે મતદારયાદીના રિવિઝનમાં ૮૯ લાખ ફરિયાદો સોંપી હતી, પણ ચૂંટણીપંચે એને સ્વીકારી નહોતી. અમારા બૂથ લેવલ એજન્ટ્સ (BLA) ફરિયાદ કરવા ગયા ત્યારે તેમને કહી દેવામાં આવ્યું કે રાજકીય પક્ષો પાસેથી ફરિયાદો લેવામાં આવશે નહીં, માત્ર વ્યક્તિગત ફરિયાદ સ્વીકારવામાં આવશે. આમ SIRની આખી પ્રક્ર‌િયા પર ભરોસો કરી શકાય એમ નથી. ૭૬૧૩ બૂથ તો એવાં છે જ્યાં ૭૦ ટકા મહિલાઓનાં નામ હટાવી દેવામાં આવ્યાં છે.’

બીજી તરફ બિહાર ચૂંટણીપંચની ઑફિસે જણાવ્યું હતું કે કૉન્ગ્રેસ પાર્ટી તરફથી એક પણ અધિકૃત BLAએ નામ નોંધાવવા માટે ફૉર્મ-6 કે નામ હટાવવા માટે ફૉર્મ-7 આપવામાં આવ્યાં નથી. હાલની સૂચિ માત્ર ડ્રાફ્ટ છે અને તમામ દાવાઓ અને વિરોધની પ્રક્ર‌િયા પૂર્ણ કર્યા બાદ અંતિમ મતદારયાદી બનાવવામાં આવશે. બિહાર જેવા ગ્રામીણ વિસ્તારોમાં એક જેવાં નામ, પિતાનાં નામ અને સરખી ઉંમર હોવી સામાન્ય બાબત છે. માત્ર ડેટા માઇનિંગથી આવા કિસ્સા ડુપ્લિકેટ સાબિત ન થઈ શકે. આ વાતની પુષ્ટિ સુપ્રીમ કોર્ટ પણ કરી ચૂક્યું છે કે એકસરખાં નામ, અટક અને ઉંમર હોવી એ બિહાર સહિતના અનેક વિસ્તારોમાં સામાન્ય બાબત છે, એનાથી નકલ સાબિત થતી નથી.

સુપ્રીમ કોર્ટની ટકોરઃ ચૂંટણીપંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસનો અભાવ દુર્ભાગ્યપૂર્ણ

સુપ્રીમ કોર્ટે સોમવારે બિહારમાં SIR સંબંધિત કેસની સુનાવણી કરતી વખતે ડ્રાફ્ટ મતદારયાદી પર વાંધા-વિરોધ દાખલ કરવાની સમયમર્યાદા લંબાવીને ૧૫ સપ્ટેમ્બર કરી હતી અને એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતાં કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણીપંચ અને રાજકીય પક્ષો વચ્ચે વિશ્વાસનો ઘણો અભાવ છે, આ દુર્ભાગ્યપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ સૂર્યકાન્ત અને જોયમલ્યા બાગચીની બેન્ચ ડ્રાફ્ટયાદી પર વાંધો દાખલ કરવા માટે પહેલી સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવાની માગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી હતી.  

ઍટમ પછી હવે હું હાઇડ્રોજન બૉમ્બ ફોડીશ : રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રાનું ગઈ કાલે બિહારના પટનામાં સમાપન થયું હતું. સમાપન-કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘હવે હું હાઇડ્રોજન બૉમ્બ ફોડવાનો છું. હાઇડ્રોજન બૉમ્બ ફૂટ્યા બાદ વડા પ્રધાન તેમનો ચહેરો દેશને બતાવી શકશે નહીં. બિહારમાં નવું સૂત્ર છે, વોટ ચોર, ગાદી છોડ. ચીન અને અમેરિકામાં પણ લોકો કહી રહ્યા છે કે વોટ ચોર, ગાદી છોડ. વોટચોરીની સચ્ચાઈ આખા દેશને જાણવા મળવાની છે.’

bihar bihar elections congress rahul gandhi national news news political news bhartiya janta party bjp supreme court