ઇન્ડિયામાં ઑમિક્રૉનના ઓછામાં ઓછા ૨૦ શંકાસ્પદ કેસ

03 December, 2021 09:13 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીમાં છ શંકાસ્પદ કેસ, મહારાષ્ટ્રમાં છ પૅસેન્જર પૉઝિટિવ

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયામાં ઑમિક્રૉન વેરિઅન્ટના બે પેશન્ટ્સના સંપર્કમાં આવનારા લોકોની પણ ટેસ્ટ કરાઈ છે. બીજી તરફ ઇન્ડિયામાં વિદેશોમાંથી આવતા ટ્રાવેલર્સની આરટી-પીસીઆર ટેસ્ટ્સ કરવામાં આવી રહી છે તો એની સાથે જ પૉઝિટિવ ટ્રાવેલર્સની સંખ્યા સતત વધી રહી છે. પૉઝિટિવ આવનારા દરદીઓના સૅમ્પલ્સને જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 
દિલ્હીમાં છ શંકાસ્પદ કેસ
યુકે અને નેધરલૅન્ડ્સ સહિત ઑમિક્રૉનનું જોખમ ધરાવતા દેશોમાંથી દિલ્હીમાં આવનારા છ પૅસેન્જર્સને લોક નાયક હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા છે, કેમ કે એમાંથી ચાર પેશન્ટ કોરોના પૉઝિટિવ આવ્યા તો અન્ય બે પેશન્ટમાં લક્ષણો જોવા મળ્યાં હતાં. જીનોમ સીક્વ​ન્સિંગ માટે તેમના સૅમ્પલ્સ નૅશનલ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલને મોકલવામાં આવ્યા છે. 
વૃન્દાવનમાં દસ પૉઝિટિવ
વૃન્દાવનના એક આશ્રમમાં આવેલા ૧૦ વિદેશી શ્રદ્ધાળુઓ કોરોના પૉઝિટિવ આવ્યા છે. ચીફ મેડિકલ ઑફિસર ડૉ. રચના ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘દસ સંક્રમિત વિદેશી નાગરિકોમાંથી ત્રણ જણ ઘરે જતા રહ્યા છે. પોલીસને ત્રણ ફૉરેન નાગરિકો વિશે જણાવવામાં આવ્યું છે.’
મહારાષ્ટ્રમાં છ પૅસેન્જર પૉઝિટિવ
મહારાષ્ટ્રના હેલ્થ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ઑમિક્રૉનનું જોખમ ધરાવતા દેશોમાંથી આવેલા છ ઇન્ટરનૅશનલ પૅસેન્જર્સ કોરોના પૉઝિટિવ આવ્યા છે. તેમના સૅમ્પલ્સ જીનોમ સીક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. 
હૈદરાબાદમાં પણ શંકાસ્પદ કેસ
યુકેથી હૈદરાબાદમાં આવનારી ૩૫ વર્ષની એક મહિલા કોરોના પૉઝિટિવ આવી છે. તેને તેલંગણા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ ખાતે આઇસોલેટ કરી દેવામાં આવી છે અને જીનોમ સીક્વન્સિંગ માટે તેના સૅમ્પલ્સ મોકલી દેવામાં આવ્યા છે.

national news india coronavirus covid19