કોરોનાના 24 કલાકમાં 84,000 જેટલા નવા કેસ

13 June, 2021 01:11 PM IST  |  New Delhi | Alpa Nirmal

છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-19ના ૮૪,૩૩૨ નવા કેસ અને ૪૦૦૨ મૃત્યુ નોંધાવા સાથે દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ધીમે ધીમે શમી રહ્યો હોય એમ જણાયું હતું

સેલ્ફી વિથ વૅક્સિન: પોતે વૅક્સિન લીધી હોય એવા ફોટો ઘણા લોકો સોશ્યલ મીડિયામાં મૂકે છે. વૅક્સિનેશનની જાગૃતિ માટે આ સારી વાત છે. પશ્ચિમ બંગાળના બરદ્વાન શહેરની આ યુવતી તો એક ડગલું આગળ વધી છે. તેણે તો પોતે વૅક્સિન લેતી હોય ત્યારની સેલ્ફી પાડી છે. પી.ટી.આઇ.

છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-19ના ૮૪,૩૩૨ નવા કેસ અને ૪૦૦૨ મૃત્યુ નોંધાવા સાથે દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ ધીમે ધીમે શમી રહ્યો હોય એમ જણાઈ રહ્યું હોવાનું કેન્દ્રના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગઈ કાલે જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતીમાં જણાવાયું હતું. 

ગઈ કાલે સતત પાંચમા દિવસે દેશમાં કોરોના વાઇરસના નવા કેસની સંખ્યા એક લાખ કરતાં નીચે હોવા ઉપરાંત આ આંકડાઓ ૭૩ દિવસના સૌથી ઓછા કેસ નોંધાયા હોવાનું પણ મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલી  વિગતોમાં જણાવાયું હતું.

આઠમી જૂને દેશમાં ૮૬,૪૯૮ કોવિડ કેસ નોંધાયા હતા, જે બીજી એપ્રિલે નોંધાયેલા ૮૯,૧૨૯ નવા કેસ બાદના સૌથી ઓછા કેસ હતા. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ૨,૯૩,૫૯,૧૫૫ કેસ, ૧૦,૮૦,૬૯૦ એક્ટિવ કેસ અને ૩,૬૭,૦૮૧ મૃત્યુ નોંધાયા છે. 

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ગઈ કાલે એક દિવસમાં ૩૪,૩૩,૭૬૩ લોકોને રસી આપવામાં આવતાં દેશમાં અત્યાર સુધીમાં કુલ ૨૪,૯૬,૦૦,૩૦૪ લોકોને રસી આપવામાં આવી હતી. 

કો-વિન હૅક થવાના દાવાઓને સરકારે નકાર્યા
કો-વિન સિસ્ટમ હૅક થવાના તથા ડેટા લીક થવાના દાવાઓને સરકારે ગઈ કાલે પાયાવિહોણા ગણાવ્યા હતા. સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું કે કો-વિન સિસ્ટમ હૅક થવાના કથિત દાવાની ઇલેક્ટ્રૉનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલયની કમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પૉન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી.  એમ્પાવર્ડ ગ્રુપ ઑન વૅક્સિન ઍડ્મિનિસ્ટ્રેશનના અધ્યક્ષ ડૉક્ટર આર. એસ. શર્માએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘કો-વિન સિસ્ટમ હૅક થવાના તથા એના ડેટા લીક થવાના હૅકર્સના તથાકથિત દાવાઓ પાયાવિહોણા છે. દેશના નાગરિકોના ડેટા અને અન્ય અંગત માહિતીઓના રક્ષણ માટે અમે સમયાંતરે પગલાંઓ લેતાં રહીએ છીએ. કો-વિન પોર્ટલ રાષ્ટ્રીય કોવિડ-19 રસીકરણના અભિયાનની સુવિધા પ્રદાન કરે છે. 

national news coronavirus covid19