લુધિયાણામાં ISI સમર્થિત આતંકવાદી મોડ્યુલની ધરપકડ,ગ્રેનેડ હુમલાની બનાવી હતી યોજના

21 November, 2025 09:57 PM IST  |  Ludhiana | Gujarati Mid-day Online Correspondent

Crime News: ગુરુવારે લુધિયાણામાં ધરપકડ કરાયેલા ISI સમર્થિત ગેંગસ્ટર-આતંકવાદી મોડ્યુલના બે સભ્યોએ પંજાબમાં સરકારી ઇમારતો અને અન્ય સંવેદનશીલ સ્થળો પર ગ્રેનેડ હુમલાઓનું આયોજન કર્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

ગુરુવારે લુધિયાણામાં ધરપકડ કરાયેલા ISI સમર્થિત ગેંગસ્ટર-આતંકવાદી મોડ્યુલના બે સભ્યોએ પંજાબમાં સરકારી ઇમારતો અને અન્ય સંવેદનશીલ સ્થળો પર ગ્રેનેડ હુમલાઓનું આયોજન કર્યું હતું. પંજાબ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે બે આરોપીઓ, દીપક ઉર્ફે દીપુ અને રામ લાલ, હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હતા અને એન્કાઉન્ટરમાં ઘાયલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને રાજસ્થાનથી લુધિયાણા આવ્યા હતા અને છેલ્લા બે દિવસથી અહીં રોકાઈ રહ્યા હતા. તેમની પાસેથી બે ચાઇનીઝ 86P હેન્ડ ગ્રેનેડ, પાંચ પિસ્તોલ અને 40 થી વધુ જીવંત કારતૂસ મળી આવ્યા છે. પોલીસ કમિશનર સ્વપ્ન શર્માએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર જસવીર ઉર્ફે ચૌધરીએ આરોપીઓને હુમલાનું કામ સોંપ્યું હતું.

તેમણે કહ્યું, "તે અત્યંત ખતરનાક છે કે પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વિવિધ રાજ્યોના ગુનેગારોનો ઉપયોગ કરી રહ્યા છે જેથી તેઓ અજાણ્યા રહે. આ મોડ્યુલના લોરેન્સ બિશ્નોઈ ગૅન્ગ સાથે પણ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે."

૧ કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતા માઓવાદી નક્સલી માડવી હિડમા અને તેની બે પત્ની સહિત કુલ ૬ નક્સલવાદીઓ તાજેતરમાં આંધ્ર પ્રદેશના મારેડુમિલી વિસ્તારમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર થયા હતા. આંધ્ર પ્રદેશ-છત્તીસગઢ-ઓડિશા સરહદ પર માઓવાદી ગતિવિધિઓ વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઑપરેશન શરૂ કર્યું હતું. માધવી હિડમા CPI (માઓવાદી) પીપલ્સ લિબરેશન ગેરીલા આર્મી (PLGA) બટૅલ્યન નંબર વનનો કમાન્ડર હતો અને દંડકારણ્ય સ્પેશ્યલ ઝોનલ કમિટીનું નેતૃત્વ પણ કરતો હતો. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. આ વિશે માહિતી આપતાં પોલીસે જણાવ્યું હતું કે છત્તીસગઢ, તેલંગણ અને આંધ્ર પ્રદેશના ત્રિ-જંક્શન નજીકનાં ગાઢ જંગલોમાં આ એન્કાઉન્ટર થયું હતું જેમાં ઍન્ટિ નક્સલી ગ્રેહાઉન્ડ્સ અને CRPF કોબ્રા યુનિટ્સ દ્વારા સંયુક્ત ઑપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

હિડમાની બે પત્નીઓ માડવી હેમા અને રાજે ઉર્ફે રાજક્કા બન્ને આ એન્કાઉન્ટરમાં ઠાર થઈ હતી. એ સિવાય તેના ચાર અન્ય વરિષ્ઠ કાર્યકરો પણ માર્યા ગયા હતા. માડવી હિડમાને હિડમલ્લુ અને સંતોષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ૧૯૮૧માં જન્મેલો માડવી ૧૯૯૬માં માઓવાદી ચળવળમાં જોડાયો હતો. તે છત્તીસગઢના દક્ષિણ સુકમાના પૂર્વવર્તી ગામનો વતની હતો અને મુરિયા જાતિનો હતો. લગભગ ૪૫ વર્ષના માડવી હિડમા પર કુલ ૧ કરોડ રૂપિયાથી વધુનું ઇનામ હતું. કેન્દ્ર સરકારે ૪૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું, છત્તીસગઢે ૨૫ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું અને અન્ય રાજ્યોએ પણ ઇનામની જાહેરાત કરી હતી. હિડમાએ માઓવાદી વિચારધારા ફેલાવવા માટે ઘણા વિસ્તારોમાં ક્રાન્તિકારી સ્કૂલોની સ્થાપના પણ કરી હતી.

punjab pakistan Crime News terror attack bomb blast bomb threat andhra pradesh naxal attack national news news