23 April, 2025 06:55 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
બાબા રામદેવ
દિલ્હી હાઈકોર્ટે સોમવારે પતંજલિના સ્થાપક બાબા રામદેવને ફાર્માસ્યુટિકલ અને ફૂડ કંપની હમદર્દ અને રૂહ અફઝાને ટારગેટ કરવા માટે સાંપ્રદાયિક અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ઠપકો આપ્યો. હમદર્દ નેશનલ ફાઉન્ડેશન ઇન્ડિયાએ રામદેવના નિવેદન અંગે પતંજલિ ફૂડ્સ લિમિટેડ વિરુદ્ધ અરજી દાખલ કરી હતી. આ મામલાની સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે આ નિવેદન ડઘાવનારું છે. કોર્ટે કહ્યું કે આ નિવેદન માફીને પાત્ર નથી.
હાઈકોર્ટે ખખડાવ્યા
હમદર્દ દ્વારા પતંજલિ અને રામદેવ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસમાં પ્રારંભિક સુનવણી બાદ ન્યાયાધીશ અમિત બંસલે કડક આદેશની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વીડિયો જોયા પછી કોઈને પણ પોતાની આંખ અને કાન પર વિશ્વાસ નથી આવતો. હાઈકોર્ટે કહ્યું કે દારૂ જેહાદ પર કથિત ટિપ્પણી અયોગ્ય હતી. કોર્ટે આ મામલે પાંચ દિવસમાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. આ સોગંદનામાંમાં કંપનીએ કહેવાનું છે કે તે ભવિષ્યમાં આવી કોઈ જાહેરાત નહીં આપે. આ કેસની આગામી સુનવણી ૧ મેના રોજ થશે.
રામદેવે શરબત જેહાદ પર આપ્યું હતું નિવેદન
હમદર્દ તરફથી કેસની દલીલ કરી રહેલા મુકુલ રોહતગીએ કહ્યું કે આવા નિવેદનો સામાજિક વિભાજન પેદા કરે છે. તે જ સમયે, રામદેવના વકીલે કહ્યું કે શરબત જેહાદની જાહેરાત દૂર કરવામાં આવશે. રામદેવે ૩ એપ્રિલે તેમની કંપનીના ઉત્પાદન - ગુલાબ શરબતના પ્રચાર દરમિયાન આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. એક વીડિયોમાં, તેણે હમદર્દની રૂહ અફઝા પર આડકતરી રીતે નિશાન સાધ્યું હતું.
તેમણે વધુમાં દાવો કર્યો હતો કે બીજી કંપનીના શરબત તેમના પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરસા બનાવવા માટે કરી રહ્યા છે. રામદેવે પોતાના વીડિયોમાં `શરબત જેહાદ` શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો.રામદેવે કહ્યું હતું કે, `જો તમે તે શરબત પીશો તો મસ્જિદો અને મદરસા બનશે અને જો તમે પતંજલિનું શરબત પીશો તો ગુરુકુળ બનશે, આચાર્યકુલમ બનશે, પતંજલિ યુનિવર્સિટી અને ભારતીય શિક્ષણ બોર્ડ પ્રગતિ કરશે.` એટલા માટે હું કહું છું કે આ `શરબત જેહાદ` છે. જેમ `લવ જેહાદ`, `વોટ જેહાદ` ચાલી રહ્યા છે, તેવી જ રીતે `શરબત જેહાદ` પણ ચાલી રહ્યું છે.
મુકુલ રોહતગીએ કહ્યું કે રામદેવની પતંજલિ એક જાણીતી બ્રાન્ડ છે જે અન્ય કોઈપણ ઉત્પાદનને અપમાનિત કર્યા વિના તેના ઉત્પાદનો વેચી શકે છે. વરિષ્ઠ વકીલે રામદેવ અને તેમના સહાયક બાલકૃષ્ણ સામે ગેરમાર્ગે દોરતી જાહેરાતોના કેસમાં સુપ્રીમ કોર્ટની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો. રસપ્રદ વાત એ છે કે, મુકુલ રોહતગી જ તે સમયે પતંજલિના સ્થાપકો તરફથી હાજર થયા હતા.
આ મામલો કોવિડ દરમિયાનના વર્ષોનો છે, જ્યારે પતંજલિએ 2021માં કોરોનિલ નામની દવા લૉન્ચ કરી હતી અને રામદેવે તેને "COVID-19 માટે પ્રથમ પુરાવા-આધારિત દવા" તરીકે ગણાવી હતી. પતંજલિએ એવો પણ દાવો કર્યો હતો કે કોરોનિલ પાસે વિશ્વ આરોગ્ય સંગઠનનું પ્રમાણપત્ર છે, પરંતુ ભારતીય મેડિકલ એસોસિએશને આને "સ્પષ્ટ જુઠ્ઠાણું" ગણાવ્યું હતું.
આજે દિલ્હી હાઈકોર્ટમાં, રામદેવ વતી એક પ્રોક્સી વકીલ હાજર થયા અને મુખ્ય વકીલ ઉપલબ્ધ ન હોવાથી પાસઓવરની માગ કરી. જોકે, ન્યાયાધીશ બંસલે મુખ્ય વકીલને બપોર પછી હાજર થવા કહ્યું અને સંકેત આપ્યો કે વકીલ હાજર નહીં થાય તો તેમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવી શકે છે. રામદેવના વકીલ રાજીવ નાયર બાદમાં કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પતંજલિના સ્થાપક હમદર્દ ઉત્પાદન વિરુદ્ધ જાહેરાતો પાછી ખેંચી રહ્યા છે. ત્યારબાદ કોર્ટે રામદેવને બાંયધરી આપવા કહ્યું કે તેઓ કોઈ પણ નિવેદનો, જાહેરાતો અથવા સોશિયલ મીડિયા પોસ્ટ્સ જાહેર નહીં કરે, જેનાથી હમદર્દ નારાજ છે. કોર્ટે કહ્યું છે કે એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવું પડશે અને આ મામલાની આગામી સુનવણી પહેલી મેના રોજજ કરવામાં આવશે.