ડેલ્ટા વૅરિયન્ટ અછબડાથી વધુ ચેપી

31 July, 2021 02:57 PM IST  |  New Delhi | Agency

અમેરિકી નિષ્ણાતોના અહેવાલ મુજબ વૅક્સિનેટેડ લોકો પણ આનું સંક્રમણ ફેલાવી શકે છે : આ અહેવાલને પગલે ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ સામે સાવધાની વધારવી પડશે

તસવીર સૌજન્ય મિડ-ડે

અમેરિકી સરકારના આરોગ્ય તંત્રના એક આંતરિક દસ્તાવેજમાં ઉલ્લેખ પ્રમાણે કોરોના વાઇરસનો ડેલ્ટા વૅરિયન્ટ ઓરી-અછબડા કરતાં વધારે તીવ્ર ચેપી હોય છે અને તેનો ચેપ લાગતાં અન્ય વૅરિયન્ટ્સની અસરોની સરખામણીમાં વધારે ગંભીર બિમારીઓ થાય છે. અખબાર વૉશિંગ્ટન પોસ્ટે સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સી.ડી.સી)ના દસ્તાવેજમાં નોંધવામાં આવ્યું છે કે ‘‘ગયા વર્ષે ભારતમાં મળેલો ડેલ્ટા વૅરિયન્ટ સામાન્ય શરદીના વાઇરસ કે ઇબોલા વાઇરસ કરતાં વધારે ઝડપથી ફેલાય છે. તેની એક ટાર્ગેટથી બીજા ટાર્ગેટ તરફ આગળ વધવાની ગતિ વધારે હોય છે. પરંતુ ડેલ્ટા સ્ટ્રેઇનની અસરોની સરખામણીમાં સાર્સ કે ઇબોલાના ઇન્ફેક્શનથી લાગુ થતી બિમારીઓની ઘાતકતા વધુ નોંધાઈ છે.’’ 
સી.ડી.સી.ના દસ્તાવેજોના જાહેર નહીં થયેલા ડેટાની રૂપરેખા દર્શાવવામાં આવી છે કે સંપૂર્ણપણે વેક્સિનેટ થયેલા લોકો પણ ડેલ્ટા વેરિએન્ટનો ફેલાવો કરી શકે છે, જેની સૌ પ્રથમ વખત ભારતમાં ઓળખ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે સંપૂર્ણપણે વેક્સિનેટ થયેલા લોકો પણ વેક્સિન ન લીધી હોય તેવા લોકો જેટલા પ્રમાણમાં જ કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાવી શકે છે. કોરોના વાઈરસના બીજા વેરિએન્ટની તુલનામાં ડેલ્ટા વેરિએન્ટ વધારે સંક્રમણ ફેલાવે છે.

દેશમાં ડેલ્ટા પ્લસના ૭૦ કેસ

ઇન્ડિયન સાર્સ કોવ-2 જિનોમિક સીક્વન્સિંગ (ઇન્સાકોગ) દ્વારા કોરોના વાઇરસ ડેલ્ટા પ્લસના ૭૦ કેસ મળી આવ્યા હતા. આ ટાસ્કમાં ૨૮ લૅબોરેટરીઝ સંકળાયેલી હોવાનું કેન્દ્રીય સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજી ખાતાના પ્રધાન જિતેન્દ્ર સિંહે ગઈ કાલે જણાવ્યું હતું. લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે અત્યાર સુધીમાં દેશમાં સાર્સ-કોવ-2ના ૫૮,૨૪૦ સૅમ્પલ્સ સીક્વન્સ્ડ કરવામાં આવ્યા છે, જેમાંથી ૪૬,૧૨૪ સૅમ્પલ્સનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.

નિયંત્રણોમાં છૂટ ભારે પડી : દેશમાં ઍક્ટિવ કેસ ૪ લાખને પાર

ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં પાછલા કેટલાક દિવસોથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસની સંખ્યામાં વધારો થવાની સાથે સાજા થનારા દરદીઓની સંખ્યા ઘટતાં ઍક્ટિવ કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. જે ઍક્ટિવ કેસ ૩ લાખની અંદર આવી ગયા હતા એ ફરી ૪ લાખને પાર કરી ગયા છે. ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૪૪,૨૩૦ કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક ફરી ૬૦૦ની અંદર આવી ગયો છે. વધુ ૫૫૫ દરદીઓનાં મોત થયા છે. નવા કેસની સંખ્યામાં વધારો થતાં ઍક્ટિવ કેસ ૪,૦૫,૧૫૫ પર પહોંચ્યા છે.

national news coronavirus covid19